જામનગર તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ લોકાર્પણ કર્યું 

હિન્દ ન્યુઝ, જામનગર 

     જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના સમયે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મંત્રીઓએ કલેકટર બી. કે. પંડયા તથા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજનું સમ્માન કર્યું.

     સરકારના પંચાયત વિભાગ દ્વારા જામનગરના પત્રકાર કોલોની વિસ્તારમાં તાલુકા પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 

    જામનગર તાલુકા પંચાયત ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન આપતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, તાલુકા પંચાયતનું જૂનું બિલ્ડિંગ અંદાજે ૬૦ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. પરંતુ બિલ્ડિંગ જર્જરિત થઈ જતાં પદાધિકારીશ્રીઓ અને તંત્ર દ્વારા નવું બિલ્ડિંગ બનાવવાની રજૂઆતને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા આધુનિક પધ્ધતિ અને તમામ સુવિધાઓથી સજ્જ નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારની મહત્વની કામગીરી જિલ્લા અને તાલુકા પંચાયતો થકી થાય છે. ત્યારે સુવિધાઓથી સજ્જ આ બિલ્ડિંગમાં અધિકારીશ્રીઓને પણ કામ કરવામાં સરળતા રહેશે જેનો ફાયદો લોકોને પણ થશે. ભારતને વિકસિત બનાવવાના સંકલ્પમાં જામનગર જિલ્લો પણ મહત્વનું યોગદાન આપી રહ્યો છે અને જિલ્લામાં વિકાસના કામો વધુ વેગવંતા બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરી મંત્રીએ તમામને અભિનંદન પાઠવ્યા હતા. 

    આ કાર્યક્રમમાં કેબિનેટમંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, તાલુકાનું મિની સચિવાલય ગણાતા જામનગર તાલુકા પંચાયતનું બિલ્ડિંગ સુવિધાસજ્જ હોવાથી વહીવટી નિર્ણયો લેવામાં તેમજ અન્ય કામગીરી કરવામાં તંત્રને સાનુકૂળતા રહેશે. તેમજ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાનો પણ અંત આવશે. સાથે કચેરીના સ્ટાફ અને અરજદારોના વાહનો માટે પણ વિશાળ પાર્કિંગની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

Related posts

Leave a Comment