હિન્દ ન્યુઝ, દીવ
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્રારા “નશા મુક્ત ભારત અભિયાન”ની શરૂઆત કરવામાં આવેલ છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને વિવિધ પ્રકારના નશાથી મુક્ત કરવાનો અને લોકોમાં વિવિધ પ્રકારના નશા વિશે જાગૃતતા ફેલાવવાનો છે. સાથે-સાથે નશાકારક પદાર્થના દુરુપયોગથી માનવ શરીરના મહત્વના અંગો પર થતા નુકશાન વિશે લોકોને અવગત કરવાનો છે.
ઉપરોક્ત અનુસંધાનમાં નશા મુક્ત ભારત અભિયાન હેઠળ દીવ જિલ્લા સમાહર્તા અને નશા મુકત ભારત અભિયાનના અધ્યક્ષ શ્રીમતી ભાનુ પ્રભાના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દીવ જિલ્લા ઉપ સમાહર્તા શિવમ મિશ્રાની અધ્યક્ષતામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્રારા ઉપરોક્ત દર્શાવેલ મંત્રાલયનું પ્રતિનિધિત્વ કરતા સિનીયર સ્ટેટ કો-ઓર્ડીનેટર અને સ્ટેટ કો-ઓર્ડીનેટર તેમજ દીવ કોલેજ દીવના સંયુક્ત પ્રયાસોથી આજ રોજ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, ઘોઘલાના સભાગારમાં એન.એસ.એસ. વોલિએન્ટર્સના માસ્ટર વોલિએન્ટર્સ માટે તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપરોક્ત મંત્રાલયનું પ્રતિનિધિત્વ કરતા સિનીયર સ્ટેટ કૉ-ઓર્ડીનેટર અભિનવ ઘોલપ અને સ્ટેટ કૉ-ઓર્ડીનેટર સુ અન્વેશા તિવારી દ્રારા નશા મુક્ત ભારત અભિયાનના અમલીકરણનો મુખ્ય ઉદ્દેશ્ય તેમજ વિવિધ પ્રકારના નશાકારક પદાર્થો અને તેના દુરૂપયોગથી માનવ શરીર પર થતા નુકશાન વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવેલ હતી. વધૂમાં તેઓ દ્રારા નશા મુકત ભારત અભિયાનની મોબાઈલ એપ્લીકેશન વિશે માસ્ટર્સ વોલિએન્ટર્સને અવગત કરવામાં આવેલ તેમજ તેમની આ અભિયાનમાં ભૂમિકા વિશે પણ વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવેલ. માસ્ટર વોલિએન્ટર્સને તાલીમ સત્રના માધ્યમથી માહિતગાર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે, ઉપરોક્ત તાલીમ સત્રમાં ભાગ લીધા બાદ તેઓ ગ્રાસરૂટ્સ સ્તરે જઈ બહોળી સંખ્યામાં નશા મુક્ત ભારત અભિયાન વિશે સમાજમાં જાગૃતતા ફેલાવે.
આજના આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિની સાથે સાથે કન્સલ્ટન્ટસ અભિનવ ઘોલપ, સુશ્રી અન્વેશા તિવારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સુ મૈત્રયી ભટ્ટ, દીવ કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. કોકિલા ડાભી અને ડો. વિરલ પટેલ વગેરે અધિકારીઓ તેમજ એન.એસ.એસ. વોલિએન્ટર્સના માસ્ટર વોલિએન્ટર્સએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનો સહયોગ અને યોગદાન પૂરું પાડ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમનું સંચાલન નિકેતા વંશ દ્વારા કરવામાં આવેલ હતું.