શિહોદ ચોકડી પાસેના ભારજ બ્રિજ ઉપર તમામ પ્રકારના વાહનો અને માણસોની અવરજવર પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

     છોટાઉદેપુર જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-પ૬ પર પાવીજેતપુર પાસે શિહોદ ચોકડી પાસે આવેલ ભારજ પુલ પર તા.૨૯/૦૭/૨૦૨૩ ના રોજ નજરે પડેલ સેટલમેન્ટને કારણે ભારે વાહનોના વાહનવ્યવહાર બંધ તથા આરટીઓ પાસિંગ કેપેસિટી મુજબ ટુ-વ્હીલર તથા ફોર વ્હિલર વાહનો (LMV) જેવા કે કાર, જીપ, વાન, ઓટોરીક્ષા તેમજ ખાસ સંજોગોમાં એમ્બ્યુલન્સ જેવા વાહનો તથા રાહદારી માટે શરતોને આધિન ખુલ્લો મુકવા તેમજ નવીન ટેમ્પરરી ડાયવર્ઝન ઉપરથી ભારે વાહનો પસાર કરવા તથા ચોમાસા દરમિયાન વરસાદને કારણે ટેમ્પરરી ડાયવર્ઝન ઉપરથી વધુ પાણી પસાર થાય અથવા ટેમ્પરરી ડાયવર્ઝનને નુકશાન થાય તેવા સંજોગોમાં ટ્રાફિક ડાયવર્ઝન – અંગેનું જાહેરનામું તા.૦૨/૦૮/૨૦૨૪ થી તા.૦૧/૦૯/૨૦૨૪ સુધીના સમયગાળા માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું.

ઉપરવાસથી પાણીની ભારે આવક અને અતિભારે વરસાદને કારણે ભારજ બ્રિજનો કેટલોક ભાગ તુટીને પડી જવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અનિલ ધામેલીયાએ એક જાહેરનામાં દ્વારા શિહોદ ચોકડી ઉપર આવેલ ભારજ બ્રિજ ઉપર તમામ પ્રકારના વાહન અને માણસોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

સદરહુ જાહેરનામા અનુસાર બોડેલીથી છોટાઉદેપુર તરફ જતાં તમામ વાહનો મોડાસર ચોકડી થઈ રંગલી ચોકડી થઈ રતનપુર, વનકુટીર ત્રણ રસ્તા થઈ જેતપુરપાવી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૬ થઈ જઈ શકશે. આ ઉપરાંત છોટાઉદેપુરથી બોડેલી અને વડોદરા તરફ આવતા તમામ વાહનો જેતપુરપાવી વનકુટીર ત્રણ રસ્તા થઈ રતનપુર થઈને રંગલી ચોકડીથી મોડાસર થઈને બોડેલી-નસવાડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૬ ઉપરથી પસાર થઈ શકશે. વૈકલ્પિક રૂટ તરીકે આવવા જવા માટે તેજગઢ થી ડુંગરવાંટ થઈ વાંકી ચોકડી થઈ સિહોદ લાઈટ વિહીકલ માટે આ રૂટ ઉપયોગમાં લઈ શકાશે.

કાર્યપાલક ઈજનેરશ્રી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, વડોદરા દ્વારા સદરહુ જાહેરનામાં અન્વયે સદરહુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ડાયવર્ઝન તથા ગતિ સીમા અંગેના સાઈન બોર્ડ લગાવવાના રહેશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૫૬ ઉપર ટ્રાફિક નિયમન, અકસ્માત નિવારણ અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા ૨૪x૭ પોલીસ બંદોબસ્ત રાખવાનો રહેશે, તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગના અધિકારીઓ, પોલીસ અધિકારીશ્રીઓ, આરટીઓના અધિકારીઓ તેમજ મહેસુલ વિભાગના અધિકારીઓએ સંકલનમાં રહીને ભારજ નદી પરના પુલ ઉપર ટ્રાફિક નિયમન અંગેની કામગીરી કરવાની રહેશે.

આ જાહેરનામું તા.૨૫/૦૯/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈ અનુસાર શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment