જે મળ્યું માણ્યું ઘણું, લેશ પણ ઓછા પણું લાગ્યું નથી, જિંદગી તારી કને મેં હક કરીને કોઈ દિવસ કંઈ પણ માંગ્યું નથી

હિન્દ ન્યુઝ, ધરમપુર   

જે મળ્યું, માણ્યું ધણું…

         કશું માંગ્યા વગર, કશાની કામના કર્યા વગર જે મળે, ગમતું કે અણગમતું, સુંદર કે અસુંદર, અનુકૂળ કે પ્રતિકુળ, કંઈ પણ મળે, જેનો પણ ભેટો થાય તે સઘળું સમર્પણ ભાવે સ્વીકારી લેવું; એટલું જ નહીં પણ એને માણવું એટલે કે એમાંથી આનંદ અનુભવવો, પછી તે સુખકર હોય કે દુઃખકર હોય. સુખકરને તો સૌ માણે પણ દુઃખમાં પણ કોઈ ઊંડાં તથ્યો કે સત્યો રહેલાં હોય તેને પામવાં, દુઃખની આરપાર જઈને એને જીરવવા અને અંદરથી કશુંક મૂલ્યવાન ખોળી કાઢવું એ જુદા પ્રકારનો આનંદ છે.

       જીવનનું સ્વરૂપ દ્વંદ્વા‌ત્મક છે. કલ્પના કરીએ કે શિયાળાની સવારનો તડકો તો બહુ મીઠો લાગે, પણ આખો મહિનો, આખું વરસ, આખું જીવન તડકો જ હોય અથવા છાંયો જ હોય તો આપણું શું થાય? તડકો કે છાયો, સુખ કે દુઃખ, જે મળે તે માણવું. તે જ જીવનનો આનંદ.

સાધારણત : આપણે આનંદદાયી બાબતોને માણતા હોઈએ છીએ અને અણગમતી બાબતોને નકારતા હોઈએ છીએ, પણ બંને બાબતો જીવનને ઘડે છે, એ આપણે ભૂલી જઈએ છીએ.

સર્જનહારે સૃષ્ટિમાં કેટલાં બધાં વૈવિધ્યો સર્જ્યા છે !

‘જૂજવે રૂપે અનંત ભાસે’ 

     બધી પરિસ્થિતિઓમાં માણવા જેવું, સમજવા જેવું, કંઈક શીખવા જેવું કંઈક હોય જ છે. તેથી આ મળે કે તે મળે- તેમ નહીં પણ જે કાંઈ મળે તે બધું જ ઈશ્વરના વરદાનરૂપ જ છે એ જો અનુભવી શકીએ તો આનંદનો કેટલો વિશાળ પ્રદેશ ખુલ્લો થઈ જાય! અને તેથી બધું માણવું અને લેશ પણ ઓછાપણું ન લાગવું એટલે જ

‘જે મળ્યું માણ્યું ઘણું’.

રિપોર્ટર : મહેશ ટંડેલ, (ધરમપુર) વલસાડ


Related posts

Leave a Comment