જનરલ નિરીક્ષકની ઉપસ્થિતિમાં માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    લોકસભા સમાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે તા. ૦૭ મે ના રોજ જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાં મતદાન થવાનું છે ત્યારે આ ચૂંટણીમાં રોકાયેલા માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમનું આયોજન ૧3- જૂનાગઢ સંસદીય મત વિસ્તારના જનરલ નિરીક્ષક મોહંમદ ઝુબેર અલી હાશમીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

શ્રી રામમંદિર ખાતે આવેલ સભાગૃહમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલ માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમમાં ઉપસ્થિત માઈક્રો ઓબ્ઝર્વરને સંબોધિત કરતાં જનરલ નિરિક્ષક હાશમીએ જણાવ્યું કે, મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે માઈક્રો ઓબ્ઝર્વરની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ચૂંટણીમાં રોકાયેલા તમામ કર્મચારીઓને તેમને સોંપવામાં આવેલી કામગીરી પ્રમાણે તાલીમ આપવામાં આવી છે. જેથી ચૂંટણી શાંતિપૂર્ણ રીતે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકાય. માઈક્રો ઓબ્ઝર્વર તેમની જવાબદારી લાપરવાહી કર્યા વગર નિભાવી ચૂંટણી સાથે રોકાયેલા કર્મચારીઓ માટે સવલતકાર બને તે માટેનું માર્ગદર્શન તેમણે આપ્યું હતું.

નિરિક્ષકએ માઈક્રો ઓબ્ઝર્વરશ્રીઓને તેમની આસપાસ બનતી ગતિવિધિને નોંધી નિરિક્ષક સુધી પહોંચતી કરવાનું કામ કરવાનું છે. આ ઉપરાંત તેઓએ ચૂંટણીબૂથમાં મોકપૉલ થાય, એજન્ટ છે કે નહીં? ઈવીએમનું સીલિંગ વ્યવસ્થિત રીતે થાય તેવી મતદાન કેન્દ્રમાં થતી નાનામાં નાની બાબતો તથા દરેક કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવા સૂચવ્યું હતું.

ચૂંટણીના દિવસે કરવાની થતી કામગીરી અંગે મૂંઝવતા પ્રશ્નો અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી તેમણે ચૂંટણીમાં કંઈપણ અસામાન્ય ઘટના બને તો તરત જ ચૂંટણી તંત્રને ધ્યાન પર મૂકી ઉદ્દીપકનું કાર્ય કરવાનું છે. તેમ જણાવી તમામ માઇક્રો ઓબ્ઝર્વર્સને મુક્તન્યાયી અને પારદર્શી ચૂંટણી પ્રક્રિયા કરવામાં પોતાનું યોગદાન આપવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ તાલીમ વર્ગમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પલ્લીબહેન બારૈયા, પ્રાંત અધિકારી વિનોદ જોશી સહિત ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment