હિન્દ ન્યુઝ, જામનગર
લોકસભા સામાન્ય ચૂંટણી–2024 ના અનુસંધાને 12-જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ જામનગર જિલ્લાના તમામ 5 વિધાનસભા મતદાર વિભાગો માટે જેમને મુખ્ય નિર્વાચીન અધિકારી તરફથી, આ કચેરી તરફથી, નોડલ અધિકારી તરફથી, ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારી તરફથી ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવી છે.
તે પૈકી જે અધિકારી કે કર્મચારીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર મળેલા નથી, તો તેઓ ચૂંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે કરી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકે તે માટે સરકારના ગૃહ વિભાગના જાહેરનામા મુજબ ફોજદારી કાર્યરિતી અધિનિયમ-1973 ની કલમ–21 હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના તથા આ અધિનિયમની કલમ-44, 103, 104, 129 અને 144 ના અધિકારો મળવાપાત્ર થાય છે.
આ અધિકારો ભોગવવા માટેનો વિસ્તાર અને સમયગાળો નિશ્વિત કરવા માટે જામનગર જિલ્લા મેજીસ્ટ્રેટને અધિકૃત કરવામાં આવ્યા છે. હાલમાં ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજકીય પક્ષો કે ઉમેદવારો તરફથી કરવામાં આવતા ખર્ચ પર દેખરેખ રાખી શકાય અને નિયંત્રણ જળવાઈ રહે તે હેતુથી ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમોની રચના હુકમથી કરવામાં આવી છે. તેમજ ઉપરોક્ત હુકમ મુજબ તેમને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના અધિકારો આપવામાં આવ્યા છે.
અનિવાર્ય સંજોગોના કારણે સુધારા હુકમને ધ્યાનમાં રાખીને અમુક કર્મચારી કે અધિકારીઓની ફેરબદલી કરવામાં આવી છે. જેથી અત્રે જણાવ્યા અનુસાર કર્મચારી કે અધિકારીને કમી કરવામાં આવ્યા છે અને તેમને આપેલા અધિકાર પરત ખેંચવામાં આવે છે. તેમજ તેમના સ્થાન પર અત્રે જણાવ્યા અનુસાર કર્મચારી કે અધિકારીની નિમણુંક કરવામાં આવી છે. તે સર્વેને તેમના વિસ્તાર કે કાર્યક્ષેત્રમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીના સમયગાળા માટે ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના અધિકારો ભોગવવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
જે અનુસાર, 78-જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાં સ્ટેટિક સર્વેલન્સ ટીમમાં સુધીર જોશીના સ્થાને નાથુભાઈ આંબલીયા અને 78-જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાં ફ્લાઈંગ સ્ક્વોડ ટીમમાં સુનિલ મહેશચંદ્ર શાહના સ્થાને ચૌહાણ મિલનની નિમણુંક કરવામાં આવી છે. 78-જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાં ફ્લાઈંગ સ્ક્વોડ ટીમમાં શ્રી અજયકુમાર કે.સિંઘના સ્થાન પર હિતેશ જોશીની નિમણુંક કરવામાં આવી છે.
તેમજ 79-જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં સ્ટેટિક સર્વેલન્સ ટીમમાં એ.એ.ચાવડાના સ્થાને રાજન માંડલીયાની નિમણુંક કરાઈ છે અને 79-જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં સ્ટેટિક સર્વેલન્સ ટીમમાં એસ.પી.પરમારના સ્થાન પર શૈલેન્દ્રસિંહ ઝાલાની નિમણુંક કરવામાં આવી છે.
અત્રે જણાવ્યા અનુસાર કર્મચારીઓ કે અધિકારીઓએ તેમને મળેલા કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના અધિકારોનો ઉપયોગ ફક્ત ચૂંટણીલક્ષી કામગીરી માટે જ કરવાનો રહેશે. આ અધિકારોનો દુરૂપયોગ ના થાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે. તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ બી.કે.પંડયા,જામનગર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે.