રાજકોટ,
તા.૧૦/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ સીટી-૧ પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવીના માર્ગદર્શન હેઠળ મામલતદાર, નાયબ મામલતદાર, સિવિલ હોસ્પિટલના તબીબ સહિતની ૩૦ થી વધુ કર્મચારીના કાફલો જૂદા જૂદા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ત્રાટક્યો છે. સવારથી જ ખાનગી હોસ્પિટલમાં ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવીએ ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે ૬ થી વધુ ટીમો બનાવી છે. એક ટીમમાં ૪ સભ્યોને સામેલ કરીને સ્ટાર સિનર્જી હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ, ન્યુ વિન વોકહાર્ટ હોસ્પિટલ, ઉદય કોવિડ હોસ્પિટલ, કર્મયોગ હોસ્પિટલ, એચ.સી.જી. હોસ્પિટલ, શ્રેયસ હોસ્પિટલ, ક્રાઈસ્ટ હોસ્પિટલ, પરમ ગીરીરાજ હોસ્પિટલ, નિલકંઠ હોસ્પિટલ, સૌરાષ્ટ્ર કોવિડ હોસ્પિટલ, સેલસ કોવિડ હોસ્પિટલ, ઓરેંજ કોવિડ હોસ્પિટલ, સત્કાર કોવિડ હોસ્પિટલ, રંગાણી કોવિડ હોસ્પિટલ સહિતની હોસ્પિટલમાં તપાસ શરૂ કરવામાં આવી છે. ટીમ દ્વારા હોસ્પિટલમાં કોરોનાના બેડ, કેટલા દર્દીઓ સારવારમાં છે, હોસ્પિટલમાં કોરોનાની સારવારના બીલ સહિતના મુદ્દાની જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરમાં ૨૦ જેટલી ખાનગી હોસ્પિટલને કોરોનાની સારવારની મંજૂરી કલેકટર દ્વારા આપવામાં આવી છે. પરંતુ, મોટાભાગની હોસ્પિટલો બેડ છૂપાવતી હોય દર્દીઓનો સાચો આંકડો જાહેર કરવામાં આવતો નથી. આ મતલબની ફરિયાદ કલેકટર સુધી પહોંચતા કલેકટરે ટીમ બનાવીને હોસ્પિટલનું ચેકીંગ શરૂ કરવાના આદેશ આપ્યા હતા. આજે સવારથી જ પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવી, સિવિલ હોસ્પિટલના તબીબી સ્ટાફને સાથે રાખી જૂદી-જૂદી ખાનગી હોસ્પિટલમાં તપાસ શરૂ કરવામાં આવી છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ