જિલ્લામાં સરકારી આરામગૃહો, ડાકબંગલાઓ તથા વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાનાર છે ત્યારે જિલ્લામાં ચૂંટણી શાંતિ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે હેતુથી ચૂંટણીપંચ તરફથી આદર્શ આચારસંહિતા અમલમાં છે. તમામ રાજકીય પક્ષ અને ચૂંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના કાર્યકર્તાઓને આ તમામ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. આ આચારસંહિતા અનુસાર સરકારી આરામગૃહો, ડાકબંગલાઓ તથા વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા ઉપર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી.આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવાયો છે.

જાહેરનામાં અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં સમાવિષ્ટ સરકારી, અર્ધ સરકારી, સહકારી તમામ આરામગૃહો, ડાક બંગલાઓ, વિશ્રામગૃહો તથા જાહેર સ્થળો હોય તેવા તમામ ગૃહોનો કે સ્થળોનો કોઈ રાજકીય પક્ષના હોદેદારો, કાર્યકરો ચૂંટણી લડતા ઉમેદવારઓ, ચૂંટણી એજન્ટો રાજકીય હેતુસર અથવા ચૂંટણી વિષયક બાબતો ચૂંટણી પ્રચારના હેતુસર ઉપયોગ નહીં કરી શકે. રાજકીય પ્રવૃતિમાં રાજકીય ચર્ચા ટેલીફોન ઉપર વાર્તાલાપ તથા મુલાકાતીઓ સહિતની બાબતોનો સમાવેશ થશે.

આ ઉપરાંત, સરકારી વિશ્રામગૃહ, અતિથિગૃહ વગેરેમાં રાજકીય પક્ષના સભ્યોની પ્રાસંગિક મિટિંગને પણ મંજૂરી આપી શકાશે નહીં. તેમજ ચૂંટણી પ્રચાર માટે આવતા કોઈ પણ મહાનુભાવોને મતદાન પૂરું થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ/અતિથીગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે નહીં.

આ જાહેરનામાનો અમલ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સુધી કરવાનો રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ અને આદર્શ આચારસંહિતાની જોગવાઈઓ હેઠળ સજાને પાત્ર થશે.

Related posts

Leave a Comment