લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી છે. ચૂંટણી પ્રચારના અભિયાનરૂપે રાજકીય પક્ષોના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી ચૂંટણી પ્રચાર ઝૂંબેશ કરવામાં આવતી હોય છે. આ હેતુ માટે ઉમેદવારો દ્વારા મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયામાં વાહનોનો દુરુપયોગ અટકે, વાહનોના ઉપયોગ બાબતે આક્ષેપ-પ્રતિઆક્ષેપ દ્વારા સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી.આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામાં અનુસાર કોઈપણ રાજકીય પક્ષો કે બીન રાજકીય પક્ષો તેમના ઉમેદવારો કે તેઓની સહમતીથી કોઈ વ્યક્તિ દ્વારા કે કોઈપણ ઉમેદવારના ચૂંટણી પ્રચારમાં વાહનોના ઉપયોગ કરવામાં આવે તેવા તમામ સત્તા ધરાવતા અધિકૃત અધિકારી પાસે, આવા પ્રચારમાં વપરાતા વાહનો રજીસ્ટર કરવાના રહેશે. રજિસ્ટર કરાયેલ વાહનની પરમીટ મેળવીને ઓરિજનલ પરમિટ વાહનની ઉપર દેખાય એ રીતે વિન્ડ સ્ક્રિન પર ચોંટાડવાની રહેશે. આ પરમીટમાં વાહન ક્યા વિસ્તારમાં ઉપયોગમાં લેવા માટે નોંધણી કરાવવામાં આવેલ છે. તેની વિગતો પણ દર્શાવવાની રહેશે. વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરી શકાશે નહીં.
ગુજરાત મોટર વાહન નિયમો-૧૯૮૯ના નિયમ-૧૨૫ની જોગવાઈ હેઠળ જાહેરાત એવી રીતે લગાડવાની રહેશે કે ડ્રાઈવરને વિઝનમાં અવરોધ ઉભો ન થાય તેમજ ઓડીયો/વીડિયો અને લાઉડસ્પીકરની સક્ષમ અધિકારી પાસેથી મંજૂરી મેળવવાની રહેશે. તમામ મંજૂરી માટે ટૂ વ્હીલર/થ્રી વ્હીલર ટ્રાન્સપોર્ટ વાહન માટે રૂ.૫૦૦ ફી અને અન્ય ટ્રાન્સપોર્ટ વાહનો માટે રૂ.૧૦૦૦ ફી નિર્ધારિત કરાઈ છે.
પરવાનગી માગનાર વાહન માલિકના ટેક્સ, પરમીટ, ફિટનેસ વગેરે તમામ દસ્તાવેજો હોવા જોઈએ. ચૂંટણી સંબંધિત જાહેરાત પ્રદર્શિત કરવી હશે તો આદર્શ આચારસંહિતાનું કડક પાલન કરવાનું રહેશે. સુરૂચીનો ભંગ કરે કે અશ્લીલ જાહેરાત પ્રદર્શિત કરી શકાશે નહીં. મોટર વાહન અધિનિયમ-૧૯૮૮ના માર્ગ સલામતિના ધોરણો-જોગવાઈઓનો ભંગ થવો જોઈએ નહીં.
આ હુકમનો ભંગ કરનાર ચૂંટણી આચારસંહિતાના ભંગ બદલની શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામું તા.૦૬/૦૬/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.