કોટડા ખાતે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

      જિલ્લાના કોડિનાર વિધાનસભા મતવિસ્તારમાં ગત ચૂંટણીમાં ૫૦% થી ઓછું મતદાન થયું હોય તથા મહિલા અને પુરુષના કુલ મતદાનમાં ૧૦% કે તેથી વધુ તફાવત હોય તેવા મતદાર વિભાગો અને વિસ્તારોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યાં છે. તે અંતર્ગત આજે શ્રી કોટડા પ્રાથમિક શાળા કોટડા (વેલણ) ખાતે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કોટડા ગામની મહિલાઓને નાયબ મામલતદાર બી.આર.ગોહિલે મતદાનનું મહત્વ સમજાવી લોકશાહી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી પણ ખૂબ મહત્વપૂર્ણ છે ત્યારે તમામ મહિલાઓ મતદાન માટે આગળ આવે અને પોતાનો અમૂલ્ય વોટ આપે તે માટે અપીલ કરી હતી.

મતદાર જાગૃતિ કાર્યક્રમમાં દસ મિનિટ દેશ માટે ફાળવી મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. આ મતદાન મથકોના વિસ્તારોમાં મતદારો દ્વારા મહત્તમ મતદાન થાય તે માટે ગામ લોકોને જાણકારી આપવામાં આવી હતી.

તદુપરાંત, શાળાના બાળકો દ્વારા મતદાનના મહત્વ અંગે સરળ શૈલીમાં નાટક રજૂ કરી ચૂંટણીમાં મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતું. આ અવસરે ચૂંટણીલક્ષી નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામી રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

આ તકે, કોડિનાર મામલતદાર એન.જી.રાદડીયા, નાયબ મામલતદાર એચ.એન.પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને મહિલાઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment