લોકસભાની ચૂંટણી અન્વયે સભા-સરઘસ દરમિયાન કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

        લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી થાય તેને ધ્યાને લઈને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જી.આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી સભા-સરઘસ દરમિયાન કેટલાંક કૃત્યો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ જાહેરનામા અનુસાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ હેઠળ સભા-સરઘસ દરમિયાનના સક્ષમ અધિકારીશ્રીની મંજૂરી મળ્યા બાદ જ સભા-સરઘસનું આયોજન કરવાનું રહેશે તથા જે શરતે પરવાનગી આપવામાં આવી છે. તે શરતોનુ પાલન કરવાનું રહેશે. સભા-સરઘસમાં શસ્ત્ર, ડંડા, તલવાર, ભાલા, સોટા, બંદૂક, ચપ્પુ, લાકડી અથવા લાઠી અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવાની, કોઈપણ સ્ફોટક પદાર્થ લઈ જવાની, પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેંકવાના અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઈ જવા નહી. તેમજ એકઠા કરવાની તથા તૈયાર કરવાની, કોઈ સરઘસમાં સળગતી અથવા પેટાવેલી મશાલ લઈ જવાની, વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવાની, લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની મનાઈ ફરમાવવામાં આવે છે.

તદુપરાંત ચૂંટણી સભા-સરઘસ-વાર્તાલાપ કે મતદારના વ્યક્તિગત સંપર્ક દરમિયાન કોઈને ઉતારી પાડતા, ચારિત્ર્ય ખંડન કરતા પ્રવચન કરવા નહીં, ધર્મ, જાતિ, જન્મ સ્થળ, નિવાસ, ભાષા વગેરેની ભૂમિકા ઉપર જુદા-જુદા જનસમૂહ/વર્ગ વચ્ચે વૈમનસ્ય, તિરસ્કાર, દ્વેષ વધે તથા જનસંવાહિતાની જાળવણીને વિપરીત અસર થાય તેવા પ્રવચન, ચોકાવનાર સમાચારવાળા ઉચ્ચારણ કરવા નહીં કે તેમ કરવા કોઈને પ્રોત્સાહન આપવુ નહીં તેમજ જેનાથી સુરૂચિ તથા નીતિનો ભંગ થતો હોય અથવા રાજયની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણ આપવાનું, ચાળા પાડવાનું કે નકલ કરવાના કૃત્ય કરવા નહી. અને જેનાથી સુરૂચિ અથવા નીતિનો તથા ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલ આચારસંહિતાનો ભંગ થતો હોય તેવા ચિત્રો, અન્ય જાહેરાતો, પોસ્ટરો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા વસ્તુઓ તૈયાર કરવાના કૃત્યો કરવા નહી.

આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ- ૧૩૧/૧૩૫ તથા ચૂંટણી અંગેની આચારસંહિતાની જોગવાઈઓ હેઠળની શિક્ષાને પાત્ર થશે. આ હુકમ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં તા.૦૬/૦૬/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

Related posts

Leave a Comment