હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અનીલ ધામેલીયાએ લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ સંદર્ભે રાજકીય પક્ષના પ્રતિનિધિઓ અને ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી છે તે મુજબ છોટાઉદેપુર જિલ્લાની ૨૧મી લોકસભા બેઠકની ચૂંટણી ત્રીજા તબકકામાં યોજાશે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા ગેઝેટ પ્રસિદ્ધ કરવાની તારીખ ૧૨ એપ્રિલ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તા. ૧૯/૦૪/૨૦૨૪, ઉમેદવારીપત્રો ચકાસણી કરવાની તા.૨૦/૦૪/૨૦૨૪, ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની તા. ૨૨/૦૪/૨૦૨૪ તથા તા. ૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. મત ગણતરી તા. ૦૪/૦૬/૨૦૨૪ના રોજ યોજાશે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તા. ૦૬/૦૬/૨૦૨૪ હોવાનું જણાવ્યું હતું.
જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી તેમજ કલેકટર અનીલ ધામેલીયાએ આ તબક્કે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે પ્રચાર પ્રસારમાં કોઈ જગ્યાએ જાણ્યે અજાણ્યે બાળકોનો ઉપયોગ ન કરવો. શહેરી વિસ્તારોમાં મતદાન વધુ થાય તેમજ મહિલા મતદારો વધે તેવા પ્રયત્નો કરવા. રાજકીય પક્ષો મતદાન વધે તે માટે જાગૃતિ ફેલાવે. સાથે આદર્શ આચાર સંહિતાને ધ્યાનમાં રાખીને તમામ પક્ષો કાર્યો કરે. સોશિયલ મીડિયા અને મીડિયામાં માહિતી સકાસીને આપે.સૌએ મળીને લોકશાહીના આ મહાપર્વને નિષ્પક્ષ, સહ્ભાગીતાથી ઉજવવો જોઈએ.
આ ઉપરાંત સભા, સરઘસ તેમજ અન્ય જરૂરી તમામ પ્રકારની પરવાનગીઓ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આચારસંહિતા અમલીકરણ સહિત જરૂરી બાબતો અંગે પણ વિગતે છણાવટ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમારે એકસ્પેન્ડીચર મોનીટરિંગ અંગે વિગતે વાત કરી હતી. ચૂંટણી પંચ દ્વારા નિયત ચૂંટણી ખર્ચ કરતા વધુ ખર્ચ ન થાય એની તકેદારી રાખવા માટે જણાવ્યું હતું.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને આચારસંહિતા અમલીકરણ નોડલ અધિકારી શ્રી કે. ડી.ભગતે પણ રાજકીય પક્ષના પર્તિનિધિઓને આચારસંહિતા અમલીકરણ અંગે વિગતે માર્ગદર્શન આપ્યું હતું. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરીએ પણ ઉપસ્થિત રાજકીય પક્ષના પ્રતિનિધિઓ અને અધિકારીઓને ચૂંટણી શાખા દ્વારા કરવામાં આવેલી કામગીરીનો વિગતે ખ્યાલ આપ્યો હતો.