લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ

હિન્દ ન્યુઝ, આણંદ 

આણંદમા શનિવારે ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાં આજે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રિન્ટ/ઇલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ સાથે આણંદ કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.

આ પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતુ કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.જે અનુસાર તા. ૭/૦૫/૨૦૨૪ ના રોજ આણંદ જિલ્લામાં લોકસભા બેઠકની સાથે ખંભાત વિધાનસભાની બેઠક માટે પણ મતદાન યોજાશે. આણંદ જિલ્લામાં ચૂંટણી મુકત,ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણીની આદર્શ આચારસંહિતાનું જિલ્લામાં ચૂસ્તપણે પાલન કરવામાં આવશે તેમજ સંપૂર્ણ પારદર્શકતા સાથે ચૂંટણી પ્રક્રિયા યોજાશે. 

ચૂંટણી અધિકારીએ ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આચાર સંહિતા અમલી બનતા જ જિલ્લામાં વિવિધ સ્થળે લગાવેલ રાજકીય પક્ષોના બેનર/હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમણે આણંદ જિલ્લામાં મતદારોની વિગતો આપતા જણાવ્યું હતુ કે, આણંદ જિલ્લામાં કુલ ૧૭,૬૮,૮૫૧ મતદારો નોંધાયેલા છે તે પૈકી ૩૮,૪૪૭ નવા યુવા મતદારો નોંધાયા છે જેઓ આગામી લોકસભાની ચૂંટણીમાં તેઓના મતાધિકારનો પ્રથમવાર ઉપયોગ કરશે. આ ઉપરાંત જિલ્લામાં નોંધાયેલ મતદારોમાં ૧૩,૭૪૩ દિવ્યાંગ મતદારો, ૧૩૨ થર્ડ જેન્ડર અને ૮૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ૧૩,૬૯૩ મતદારો નોંધાયા છે. 

તેમણે વધુમાં કહયું હતું કે, આણંદ જિલ્લાની લોકસભા બેઠકની ચૂંટણી માટે જિલ્લામાં કુલ ૧૭૭૩ મતદાન મથકો રાખવામાં આવ્યા છે. જેમાંથી ૮૮૮ મતદાન મથકો ખાતે એટલે કે કુલ મતદાન મથકોના ૫૦ ટકા કરતા વધુ મતદાન મથકોએ વેબકાસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે ઊભા કરવામાં આવનાર કુલ ૧૭૭૩ મતદાન મથકો પૈકી જિલ્લાના પ્રત્યેક વિધાનસભા મતવિસ્તાર માટે સાત-સાત મળી જિલ્લામાં કુલ-૪૯ સખી મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે, જે તમામનું સંચાલન માત્ર મહિલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. જયારે સાતેય વિધાનસભા મતવિસ્તારમાં એક-એક મળી જિલ્લામાં કુલ સાત દિવ્યાંગ મતદાન મથકો ઊભા કરાશે. તેવી જ રીતે સાતેય વિધાનસભા મતવિસ્તાર માટે એક-એક મળી જિલ્લામાં કુલ સાત આદર્શ મતદાન મથકો પણ ઉભા કરવામાં આવશે. આ ઉપરાંત ૧૧૨-આણંદ વિધાનસભા મતવિસ્તારમાં ૧ યુવા સંચાલિત મતદાન મથક ઉભું કરવામાં આવનાર હોવાની જિલ્લા ચૂંટણી અધિકારી ચૌધરીએ માહિતી આપી હતી. 

જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી સબંધિત અન્ય જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, જિલ્લામાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ માટે જિલ્લા કક્ષાના નોડલ અધિકારી તરીકે જિલ્લા વિકાસ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે પ્રત્યેક વિધાનસભા મતવિસ્તાર માટે ત્રણ-ત્રણ એફ.એસ.ટી. અને એસ.એસ.ટી.ની ટીમો મળી જિલ્લામાં કુલ ૨૧ એફ.એસ.ટી. અને ૨૧ એસ.એસ.ટી. ની ટીમો કાર્યરત કરવામાં આવી છે. ચૂંટણી સબંધિત કોઇપણ પ્રકારની ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૫૮૮ પર સંપર્ક કરીને ફરિયાદ કરી શકાશે. તેમજ જિલ્લાના તમામ મતદારોને માધ્યમથી પોતાના મતાધિકાર, ઉમેદવારો અંગેની જાણકારી મેળવવા માટે તથા ચૂંટણી સબંધીત કોઇપણ પ્રકારની ફરિયાદ માટે વોટર હેલ્પલાઈન એપ, કે.વાય.સી. (KYC- Know Your Candidate) અને cVIGIL એપ્સનો ઉપયોગ કરવા પણ તેમણે અપીલ કરી હતી. 

જિલ્લા ચૂંટણી અધિકારી ચૌધરીએ જિલ્લામાં પ્રત્યેક મતદાર તેમના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા અનુરોધ કરી મતદાન જાગૃતિના કાર્યમાં સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરીને આણંદ જિલ્લાના મતદારોને લોકશાહીના પર્વ સમાન આ ચૂંટણીમાં તેમના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરી મતદાન કરવા અનુરોધ કર્યો હતો. 

આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતા લાછુન અને પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ જિલ્લા બ્યુરોચીફ : ભાવેશ સોની

Related posts

Leave a Comment