માર્ગ સુરક્ષા, જીવન રક્ષા: માર્ગ સલામતી માસની ઉજવણીનો ઉદઘાટન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ

      માર્ગ સલામતી માસની ઉજવણી-2024 અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, બોટાદ દ્વારા જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોય અને જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ. બળોલિયાની પ્રેરણાત્મક ઉપસ્થિતિમાં માર્ગ સલામતી માસની ઉજવણીનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં માર્ગ સલામતી અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા આવ્યું હતું તેમજ સેમીનાર બાદ વિદ્યાર્થીઓની રેલીનું મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. 

કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, “આ વર્ષે માર્ગ સલામતી માસની ઉજવણીની થીમ સ્વસ્થ શરીર(હેલ્ધી બોડી) છે. માર્ગ અકસ્માતોમાં ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર આપવામાં આવે તો મૃત્યુની સંખ્યા ઘટાડી શકાય છે. કલેક્ટરએ તમામ વિદ્યાર્થીઓને તેઓ પુખ્ત થાય અને ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવે ત્યારે માર્ગ સલામતીની કાળજી લેવા તેમજ જવાબદાર નાગરિક બનવા અનુરોધ કર્યો હતો. સાથોસાથ હેલ્મેટ, સીટબેલ્ટ સહિતના ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને ગુડ સમરિટન બની લોકોની મદદ કરવા જણાવ્યું હતું. કલેક્ટરએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, “જીવનમાં ઉચ્ચ લક્ષ્ય રાખવા જોઈએ અને તેના તરફ સતત આગળ વધવું જોઈએ.”

કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક બળોલિયાએ જણાવ્યું હતું કે, “માનવીય ભૂલોને કારણે અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. વિદ્યાર્થીઓએ દેશનું ભવિષ્ય છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ 18 વર્ષ પૂર્ણ કરે અને ડ્રાઈવિંગ લાયસન્સ મેળવે ત્યારે ટ્રાફિકના તમામ નિયમોને અનુસરતા વાહનો ચલાવે તે ખૂબ અગત્યનું છે. વિદ્યાર્થીઓએ તેમના પરિવારજનો, આસપાસના લોકોને પણ ટ્રાફિકના નિયમોથી માહિતગાર કરવા જોઈએ.

 કાર્યક્રમમાં સ્વાગતવિધિ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ડી.કે.ચાવડા દ્વારા તેમજ આભારવિધિ ડીવાયએસપી મહર્ષિ રાવલ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષકની કચેરીના ઓડિટોરીયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Related posts

Leave a Comment