હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાનાર છે. જે સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે. જે અંતર્ગત ગીરસોમનાથ જીલ્લામાં વિવિધ ધાર્મિક સ્થાન અને આસપાસના રસ્તાઓની સાફ સફાઇ કરવામાં આવી હતી.
“સ્વચ્છતા ત્યાં પ્રભુતા” સુત્રને સાર્થક કરતા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વીઆઈપી સર્કિટ હાઉસના રોડ,સોમનાથ મંદિર એન્ટ્રી ગેટ સહિતના સોમનાથ મંદિરની આસપાસના રસ્તાઓની સાફ સફાઇ અને ડીડીટીનો છંટકાવ કરવામાં આવ્યો હતો તેમજ કોડીનાર નગરપાલિકા દ્વારા મેઇન બજાર શિવાજી ચોકમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરની કોડીનાર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સાફ સફાઈ કરીને મંદીર પરીસરને સ્વચ્છ અને સુઘડ બનાવવામા આવ્યુ હતુ અને સુત્રાપાડા નગરપાલિકા દ્વારા સુત્રાપાડાનાં નવદુર્ગા મંદિરની અને આસપાસની સાફ સફાઈ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ધાર્મિક સ્થળોના સ્વચ્છતા અભિયાન અંતર્ગત આગામી તા.૨૨ જાન્યુઆરી સુધી વિવિધ ધાર્મિક સ્થળોની સાફ સફાઈ કરવામાં આવશે.