“અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ હેઠળ તાપી જિલ્લાના કુલ-11891 આવાસોનું ખાતમુહુર્ત તથા 147 આવાસોનું લોકાર્પણ થશે

હિન્દ ન્યુઝ, તાપી

           આગામી તા.૧૨-૦૫-૨૦૨૩ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસો અને અન્ય વિભાગો દ્વારા બનાવવામાં આવેલ આવાસોના ઇ-લોકાર્પણ, ખાતમુહુર્તનો કાર્યક્રમ મહાત્મા મંદીર, ગાંધીનગર ખાતે યોજાનાર છે. જે અંતર્ગત સાત જિલ્લાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી ટુ વે કનેક્ટીવીટીથી જોડાઇ લાભાર્થી સાથે સંવાદ કરનાર છે. આ સાત જિલ્લાઓ પૈકી એક તાપી જિલ્લા વાલોડ તાલુકાના દેગામા ગામના પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) યોજનાના લાભાર્થી દંપતિ અંજુબેન આહીર અને જયેશભાઇ આહીર આ સંવાદમાં જોડાનાર છે. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેગામા ગામના રહેવાસી અંજુબેન આહિરે પોતાના નવા મકાનની બાજુમાં જુના મકાનને દર્શાવતા જણાવ્યું હતું કે, “આ અમારું જુનું મકાન છે અમે અહી લગભગ ૨૦ વર્ષ સુધી રહ્યા છે. કાચું મકાન હોવાના કારણે વરસાદના સમયમાં પતરામાંથી પાણી ગળતું, વાવાઝોડુ આવે તો પતરા ઉડી જવાનો ભય રહેતો તેથી બીક પણ લાગતી હતી. આજે અમારું પાકુ ઘર બનતા ખુબ જ ખુશી અનુભવ થાય છે. અમને બધી રીતે સારૂં છે. કોઇ તકલીફ નથી. અમે સરકારના અને તાપી જિલ્લા અને તાલુકાના કર્મયોગીઓના આભારી છીએ”. અંજુબેન આહીરના પતિ જયેશભાઇ આહીર પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ પાકા મકાનની સહાય મળતા રાજ્ય સરકાર અને તાપી જિલ્લા તંત્રનો આભાર માનતા જણાવ્યું હતું કે, “અમારી પાસે જે મકાન હતું એ કાચું હતું. અને અમે નવું પાકુ મકાન જાતે ઉભૂં કરી શકીએ તેવી આર્થીક પરિસ્થિતી ન હતી. સરકારના સહકારથી અમને સહાય મળી છે જેનાથી અમને ઘણો ફાયદો થયો છે. પશુપાલન કરી અને ટેમ્પો ચલાવીને ડ્રાઇવર તરીકે જે બચત કરી તેની સાથે સગા સંબંધી પાસે થોડા પૈસા લઇ મોટું પાકુ મકાન ઉભું કર્યું છે.” “પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ રૂ.1,20,000ની આર્થિક સહાય મળી છે.
           આ સાથે મનરેગા રોજગારના રૂ.20,610 મળ્યા છે. અને સમય મર્યાદામાં આવાસનું કામ પુરૂ કર્યું તેથી પ્રોત્સાહક રકમ રૂ.20,૦૦૦ મળ્યા છે. આમ અમને રૂ.1,60,610 રૂપિયા પુરે પુરા અમને મળ્યા છે. અમે સરકાર અને તાપી જિલ્લા તંત્રના જિલ્લા અને તાલુકાના અધિકારીશ્રીઓનો ખુબ-ખુબ આભાર માનીએ છીએ.” વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, “સરકારશ્રીની આવાસ યોજના મધ્યમ વર્ગના નાગરિકો માટે ખુબ લાભકારક છે.જે લોકોનું કાચું મકાન છે કે જે લોકો ફક્ત પોતાના ખર્ચે પાકું મકાન બનાવી શકે એમ નથી તેઓએ આ યોજનાનો લાભ જરૂર લેવો જોઇએ.” નોંધનિય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ રાજય સરકાર દ્વારા મહિલા લાભાર્થીઓને ધ્યાનમાં રાખીને આવાસની સાથે સાથે બાથરૂમના બાંધકામ માટે પ્રતિ લાભાર્થી દીઠ રૂ.5000ની વધારાની સહાય આપવામાં આવે છે. તથા પ્રથમ હપ્તાની ચુકવણી બાદ છ માસની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ કરનારા લાભાર્થીઓને ‘મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના’ હેઠળ લાભાર્થી દીઠ રૂ.20,000ની પ્રોત્સાહક રકમની સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022-23 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ રાજ્યનો 1,84,605 આવાસો બાંધવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે અંતર્ગત તાપી જિલ્લામાં વર્ષ 2022-23 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 13681 આવાસો બાંધવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જેમાંથી આગામી તા.૧૨-૦૫-૨૦૨૩ના રોજ “અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ હેઠળ તાપી જિલ્લામાં કુલ-11891 આવાસોનું ખાતમુહુર્ત તથા ૬૬ ગામોમાં 147 આવાસોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. આગામી તા.૧૨મી મે-૨૦૨૩ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તાપી જિલ્લાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી અંજુબેન આહીર સાથે ટુ-વે કનેક્ટીવીટી સાથે જોડાઇ સંવાદ કરનાર છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની અમલવારીમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રસ્થાને છે. ગુજરાત માટે ગૌરવની વાત છે કે ક્રેડિટ લિંક સબસીડી ઘટક (શહેરી) હેઠળ 5.20 લાખથી પણ વધુ લાભાર્થીઓને તેમના પ્રથમ આવાસ પર લીધેલ લોન પર વ્યાજ સહાયનો લાભ અપાવવામાં ગુજરાત દેશમાં અગ્રસ્થાને છે.

Related posts

Leave a Comment