બંને વિધાનસભા મતદાર વિભાગોની મત ગણતરીને લઈને બોટાદ જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ

હિન્દ ન્યુઝ, બોટાદ

તા. 8 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા-2022ની સામાન્ય ચૂંટણી અંતર્ગત મત ગણતરી યોજાશે. ત્યારે બોટાદમાં ખસ રોડ સ્થિત મોડેલ સ્કૂલ ખાતે 106- ગઢડા વિધાનસભા મતદાર વિભાગ અને 107- બોટાદ વિધાનસભા મતદાર વિભાગની મત ગણતરી થશે. જે અન્વયે બોટાદ જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે.

મત ગણતરીના સ્થળ પરની વ્યવસ્થા અંગે માહિતી આપતા બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી બી.એ.શાહે જણાવ્યું હતું કે, મતગણતરી કેમ્પસથી રોડની બંને બાજુએ 100-100 મીટર સુધી પેડેસ્ટ્રીયન ઝોન નક્કી કરવામાં આવ્યો છે. આ ઝોનમાં 53 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર તૈનાત રહેશે. સાથોસાથ એટલા ભાગમાં ટ્રાફિકની અવર જવર નિયંત્રીત કરવામાં આવશે. બંને વિધાનસભા માટેના બંને કાઉન્ટીંગ રૂમ ખાતે કુલ 38 માઈક્રો ઓબ્ઝર્વર, 34 કાઉન્ટીંગ સુપરવાયઝર અને 34 કાઉન્ટીંગ આસીસ્ટન્ટ ફરજ બજાવશે. મત ગણતરીની કામગીરી ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી અને ભારતના ચૂંટણી પંચના જનરલ ઓબ્ઝર્વરઓની ઉપસ્થિતિમાં થશે.

વધુમાં બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ ઉમેર્યું હતું કે, મતગણતરી કેમ્પસ ખાતે એસ.પી., ડી.વાય.એસ.પી, પી.આઈ. સહિત 44 જેટલા પોલીસ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ફરજ પર તૈનાત રહેશે. સી.એ.પી.એફ.ના 72 જેટલા અધિકારીઓ અને જવાનો સ્ટ્રોંગ રૂમ, કાઉન્ટીંગ રૂમ અને બિલ્ડીંગ પર બાજ નજર રાખશે. આ સિવાય એસ.આર.પીના 24 જેટલા પોલીસ અધિકારીઓ અને જવાનો ફરજ બજાવશે. મોડેલ સ્કૂલ ખાતે મીડિયા માટે મીડિયા કોમ્યુનિકેશન સેન્ટરની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ઉમેદવારો અને તેમના એજન્ટો માટે અલગ પબ્લિક કોમ્યુનિકેશન રૂમની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાની બંન્ને બેઠકોની મતગણતરીની પ્રક્રિયા શાંતિ અને સલામતી સાથે સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment