વિધાનસભા ચૂંટણી-2022ની મત ગણતરી દરમિયાન બોટાદની મોડેલ સ્કૂલ, ખસ રોડના રસ્તે આવતા-જતા વાહનો માટે વૈકલ્પિક રૂટ જાહેર

હિન્દ ન્યુઝ, બોટાદ

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની મત ગણતરી ગુરુવારે તા.૦૮ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ બોટાદના ખસ રોડ સ્થિત મોડેલ સ્કૂલ ખાતે યોજાશે. મત ગણતરી દરમિયાન ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડી બોટાદના ખસ રોડ T પોઇન્ટથી મીલીટ્રી રોડ,ખસ ચાર રસ્તા સુધીનો માર્ગ બંધ રાખવાનો આદેશ કર્યો છે. આ જાહેર માર્ગ સવારે ૫.૦૦ કલાકથી બપોરના ૪.૦૦ કલાક સુધી બંધ રહેશે.

મત ગણતરી દરમિયાન વાહનોના આવનજાવન માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે. વૈકલ્પિક રૂટમાં મીલીટ્રી રોડ તરફથી બોટાદ તરફ અવર-જવર કરતા વાહનો માટે બોટાદ ટાઉનમાં પ્રવેશવા માટે મીલીટ્રી રોડ-ફ્રુટ માર્કેટ- સાળંગપુર રોડ-એસ્સાર પેટ્રોલ પંપ-કપલીધાર-અન્ડર બ્રિજ તરફ પ્રવેશ કરવાનો રહેશે. મીલીટ્રી રોડ તરફથી બોટાદ તરફ અવર-જવર કરતા વાહનો માટે બોટાદ ટાઉનમાં પ્રવેશવા માટે મીલીટ્રી રોડ-ફ્રુટ માર્કેટ- સાળંગપુર રોડ-એસ્સાર પેટ્રોલ પંપ-કપલીધાર-સબિહા હોસ્પીટલ જવાનો માર્ગ-નવનાળા તરફ પ્રવેશ કરવાનો રહેશે. બોટાદથી રાણપુર કે ખસ ગામ તરફ જતા વાહનો માટે સાળંગપુર રોડ-કપલીધાર-ફ્રુટ માર્કેટ-મીલીટ્રી રોડ પરથી વાહનો પસાર કરવાના થશે.

આ હુકમ/ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે ફરજ પરના કોઇપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment