મતદાન તેમજ મતગણતરીના દિવસે ઈલેકટ્રીક ઉપકરણ પર ફરમાવેલ પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ

કચ્છ જિલ્લામાં આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની તારીખો જાહેર થયેલ છ. જે મુજબ તા.૦૩/૧૧/૨૦૨૨થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં તા.૧/૧૨/૨૦૨૨ના મતદાન થનાર છે. ચુંટણીની કામગીરી તા.૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. આગામી વિધાનસભા પેટા ચુંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જિલ્લા મેજીસ્ટ્રેટ દિલીપ રાણા દ્વારા મતદાનના દિવસે મતદાન બુથની આસપાસ તથા મતગણતરીના દિવસે મતગણતરી કેન્દ્ર ખાતે નિવારક પગલાં ભરવા જાહેરનામું ફરમાવ્યું છે. મતદાનના દિવસ તા.૧/૧૨/૨૦૨૨ મતદાન મથકમાં કે મતદાન મથકની ૧૦૦મી ત્રિજયમાં કોઇપણ વ્યકિત સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વગેરે લઇ જઇ શકશે નહીં. વાયરલેસ ડીવાઇસીસ જેવા કે બ્લુટુથ પેન કેમેરા, મોબાઇલ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો કે અન્ય કોઇપણ ઇલેકટ્રોનિક્સ સાધનો લઇ જઇ શકશે નહીં. મતગણતરીના દિવસ તા.૮/૧૨/૨૦૨૨ મત ગણતરી કેન્દ્રની અંદર કે આસપાસ કે મતગણતરી કેન્દ્રની આસપાસ કોર્ડન કરવામાં આવેલ વિસ્તારની અંદર કોઇપણ વ્યકિત સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વિગેરે લઇને જઇ શકશે નહીં કે ઉપયોગ કરી શકશે નહીં કે વાયરલેસ ડીવાઈસીસ જેવા કે બ્લુ ટુથ, પેન કેમેરા, મોબાઇલ કે ઈન્ટરનેટ સાથે કનેકટેડ ઉપકરણો કે અન્ય કોઇપણ ઈલેકટ્રોનિકસ સાધનો લઇ જઇ શકશે નહીં. આ હુકમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ચાર્જમાં હોય તેવા અધિકારીઓ અને ફરજ પર મુકેલા સલામતી માટેના કર્મચારીઓ તથા અધિકૃત કરેલ ચૂંટણી તથા મતગણતરી ફરજ પરના અધિકારી/કર્મચારીઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો કોઇપણ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા કોઇ વ્યક્તિ દ્વારા ભંગ કરાશે તો ભારતીય ફોજદારાની કલમ- ૧૮૮ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.

Related posts

Leave a Comment