હિન્દ ન્યુઝ, ભુજ
“અમે ગરીબ માણસ ક્યાં જઈએ બેન…! જો સરકારે આ કાર્ડ ના આપ્યું હોત તો અમારું શું થાત ? ! બીમારી ક્યાં કોઈને પૂછીને આવે છે બસ એ તો આવે છે…..” આ શબ્દો છે આયુષ્માન કાર્ડના લાભાર્થી પૂજાભાઈના….
ભુજ તાલુકાના નાગોર ગામના રાયધણપરના નિવાસી એવા તેઓ વધુમાં જણાવે છે કે,” આ દિવાળી એક વરસ અને ત્રણ મહિના થશે એ પહેલા અમને આ કાર્ડ મળેલું મારો નાનકો છોકરો ભુજથી સરકારી દવાખાનેથી લઈ આવેલો તે અમારા જેવા ગરીબ માણસને આ મોટો ટેકો છે.
પૂજા ભાઈના ધર્મપત્ની જણાવે છે કે,” અમે ખેતમજૂરી કરનારા લોકો છીએ બેન ખબર નહિ અમને ક્યારે અન્નનળીનું કેન્સર થયું. મારો નાનકો સરકારનું બધું જાણે તે આ કાર્ડ લઈ આવ્યો. દવાખાને જવા આવવાના ₹ ૩૦૦ અમને સરકાર બેંકમાંથી અપાવે છે. અમે ૮ જણા મજૂરી કરી પેટ ભરીએ ત્યારે આ મોટી માંદગી કેડ જ નહીં મન પણ ભાંગી નાખે છે. ભલું થજો ડોક્ટર વિકાસભાઈનું અને સરકારનું કે પૈસા વગર અમારા રોગનો ઈલાજ કરી આપે છે. હું બધાને કહું છું કે આયુષ્માન કાર્ડ કઢાવો. તમે સાજા હોય ત્યારે નહિ પણ માંદા હશો ને ત્યારે એનું મહત્વ સમજશો. ગાંધીધામ ખાતે કેન્સરની સારવાર લેતા પુજાભાઈ ભુજ ખાતે યોજાયેલા આયુષ્માન કાર્ડ વિતરણ સમયે આ કાર્ડનો લાભ લેવા અન્યને અનુરોધ કર્યો હતો.