પદ્મશ્રી નારાયણ જોશી ‘કારાયલ’ નો કચ્છી સાહિત્યકલા સંઘ દ્વ્રારા મોરઝર ખાતે સન્માન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, ભુજ

              વિધાનસભા અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્યે પદ્મશ્રી નારાયણ જોશી ’કારાયલ’ના નખત્રાણા તાલુકાના મોરઝર ગામે “સંત પુંજલડાડા જો અખાડો” ખાતે કચ્છી સાહિત્યકલા સંઘ, મોરઝર દ્વારા કરાયેલા સન્માનમાં પ્રેરક હાજરી આપી હતી.

           પદ્મશ્રી સન્માન અને ગ્રંથ પ્રકાશનના અવસરે પધારેલા વિધાનસભા અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, ‘“પદ્મશ્રી નારાયણ જોશી ’કારાયલ’  ગુજરાત અને કચ્છનું ગૌરવ છે, જેને પોંખવાનું સૌભાગ્ય આજે મળ્યું છે. કચ્છી સાહિત્યને, કચ્છી બોલીને સમૃધ્ધ કરવાના તેમના પ્રયાસો પ્રશંસનીય છે. મા કચ્છી બોલીના સેવાવ્રતધારી પદ્મશ્રી નારાયણ જોશીનું પોતાના વિસ્તારના લોકોમાં સન્માન થાય તેનો આનંદ છે. સારસ્વતોનું સન્માન સમાજ અને દેશનું ગૌરવ છે. કોઇપણ બોલીના કે ભાષાના સંર્વધન અને સંશોધનની પરંપરા સંતાનોમાં સૌએ વિકસાવવી જોઈએ એમ આ તકે  અધ્યક્ષાએ જણાવ્યું હતું.

         વર્ષ ૨૦૨૦માં કચ્છીભાષા સંશોધન, સંર્વધન અને જાળવણી તેમજ કચ્છી બોલી પરીક્ષાપ્રવૃતિ માટે મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વરદ્ હસ્તે પદ્મશ્રી થી સન્માનિત થયેલા પદ્મશ્રી નારાયણ જોશી  “કારાયલ” ને કચ્છી સાફો બાંધી, પ્રમાણપત્ર એનાયત કરી તેમજ શાલ ઓઢાડીને આ તકે સન્માનિત કરાયા હતા. તથા તેમના સુવેનિયર ‘સેણે કે સંભાર’ નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

        કળા કરાએલ મોર એટલે ‘કારાયલ’ ઉપનામથી લોકપ્રિય પદ્મશ્રી નારાયણ જોશીએ આ તકે જણાવ્યું હતું કે, દરેક લોકબોલીઓ કે જે ભાષા સંપદાની ધરોહર છે તેને  સાચવવી જોઈએ. ભાષા કે બોલીમાં રહેલા સત્વ-તત્વ દ્વારા બાલ્યાવસ્થામાં જ બાળકોને બોલી શીખવાડવી જોઈએ.

         આ તકે વિવધ સમાજના અગ્રણીઓ અને સંસ્થાઓએ શબ્દસાધકો અને સારસ્વતોએ તેમનું સન્માન કર્યું હતું.

         આ પ્રસંગે “સંત પુંજલડાડા (દાદા) જો અખાડો” મોરઝરના પ્રમુખ દિલીપ રાજા કાપડી, કચ્છી સાહિત્ય કલા સંઘના નવીનભાઈ મારુ,  કિશોરદાસજી સાહેબ,  ભગત જગજીવન રામજી મહારાજ,  જયંતીદાસજી મહારાજ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જયરાજસિંહજી જાડેજા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જયાબેન ચોપડા, નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ જયસુખભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય નયનાબેન પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિ અને તાલીમ ભવનના પ્રાચાર્ય સંજયભાઈ ઠાકર, કચ્છી સાહિત્ય મંડળના લાલજીભાઈ મેવાડા, કૃતાર્થ સિંહજી જાડેજા,  કાનજીદાદા કાપડી, સમાજ કલ્યાણ અધિકારી જે.એ.બારોટ, દાનાભાઈ આહીર ,સાહિત્યકાર કાંતિભાઈ’કારણ’, ગૌતમભાઈ જોશી, ડૉ. રમેશ ‘રશ્મિ’,  લહેરીકાંત ગરવા, રાજેશ ગઢવી, પુષ્પદાન ગઢવી, કવિ અને કાર્યક્રમના સંચાલક વિશ્રામ ગઢવી, હરિસિંહજી રાઠોડ, રામુભા જાડેજા, બાબુભાઈ ચોપડા, તેમજ સંત શિરોમણીઓ, વિવિધ સમાજના અગ્રણીઓ, સાહિત્યકારો અને નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment