ભાવનગર જિલ્લામાં વીજ ઇન્ફ્રાસ્ટ્રકચર ૪૭૦ કરોડના ખર્ચ સુધારવામાં આવશે : ઉર્જામંત્રી મુકેશભાઇ પટેલ

હિન્દ ન્યુઝ, ભાવનગર

      ભાવનગર કલેકટર કચેરી ખાતે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉર્જા વિભાગને લગતાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા સમીક્ષા બેઠક યોજાઈ હતી.

ભાવનગર જિલ્લામાં વીજ ઇન્ફ્રાસ્ટ્રકચરને ૪૭૦ કરોડના ખર્ચથી સુધારવા અંગે આર. ડી. એસ. એસ. માં મંજૂરી આપ્યા અંગે મંત્રી મુકેશભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેમાંથી અંડર ગ્રાઉન્ડ કેબલ, નવા ટ્રાન્સફૉર્મર ઊભા કરવા, લાઇન ડિસ્ટ્રીબ્યુશન વગેરેની કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

વીજપુરવઠાને લગતા પ્રજાના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકાર હંમેશા તેમનાં માટે ખડેપગે કાર્યરત છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, અગ્રણીઓ દ્વારા ઉર્જાને લગતાં પ્રશ્નોને સાંભળ્યા હતા અને સંબંધિત અધિકારીઓને ત્વરિત ઉકેલ લાવવા તાકીદ કરી હતી.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતે સોલાર રૂફટોપ યોજનામાં નોંધપાત્ર ખેડાણ કર્યું છે. આ સાથે ‘વન ડે-વન ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમ હેઠળ સરકાર પ્રજાના દ્વારે આવી છે તેથી જનતાની સમસ્યાઓને તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવાના રાજ્ય સરકારના નક્કર પ્રયાસો અંગે જણાવ્યું હતું. આ ઉપરાંત ભાવનગર જિલ્લામાંથી નક્કર પ્રયાસના ભાગરૂપે માસ મેન્ટેનન્સ કરવાની સૂચના આપી હતી.

વધુમાં જણાવ્યું હતું કે આ સાથે પી.જી.વી.સી.એલ.ના સંબધિત અધિકારીઓ દ્વારા સબ સ્ટેશનો, ડિવિઝન કચેરીઓ, ફિડરો, અને ટેક્નિકલ પ્રશ્નોને લગતી સમસ્યાઓને નિવારવા માટે ઝડપી કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. તેમજ વીજપુરવઠાને લઈને સ્થાનિક લેવલના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને તલસ્પર્શી સૂચનો આપ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે, કમિશ્નર એન. વી. ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, ભા. જ. પ. શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડયા, સાંસદ સુ વિભાવરીબેન દવે, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા ભા. જ. પ. પ્રમુખ મુકેશભાઇ લંગાળીયા, ગારિયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, પી.જી.વી.સી.એલ. ભાવનગર ઝોનના ચીફ એન્જિનિયર એન. આઈ. ઉપાધ્યાય, પી.જી.વી.સી.એલ. ભાવનગર સર્કલના સુપ્રી. એન્જિનિયર યુ. જી. વસાવા, તેમજ GETCO અને PGVCL ના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment