હિન્દ ન્યુઝ, બોટાદ
કોઈના બેંક એકાઉન્ટમાં ભૂલથી રૂ. ૧૮ હજાર જેટલી માતબર રકમ આવી જાય અને તે વ્યક્તિ તેમને મળેલી આ રકમ પરત કરવાની તત્પરતા દર્શાવે એવું માનવામાં આવે છે ? આનો જવાબ છે હા…બોટાદ જિલ્લામાં આવી જ એક ઘટના બની. ટેકનીકલ ખામીને કારણે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળતા નાણા અરજદારને સ્થાને અન્ય વ્યક્તિના બેંક ખાતામાં જમા થવા લાગ્યા પરંત જેના ખાતામાં આ નાણાં જમા થતાં હતાં તેમણે તો જાણે મનોમન દ્રઢ સંકલ્પ કરી લીધો કે હું ગમે તે કરીને લાભાર્થીને તેના નાણાં પરત કરીને જ જંપીશ. આ પ્રામાણિક વ્યક્તિનું નામ છે અનિલભાઈ વાળા આર્થિક રીતે સામાન્ય પરિસ્થિતિ ધરાવતા અસ્થિવિષયક દિવ્યાંગજન છે જેમણે ખરાં અર્થમાં દિવ્યાંગ શબ્દને સાર્થક કર્યો છે.
અનિલભાઈએ આ કાર્ય માટે વહીવટીતંત્ર બોટાદની મદદ લીધી હતી. હવે વાત કરીએ અનિલભાઈની નાણાં પરત કરવાની સફર વિશે…સૌપ્રથમ ભૂલથી નાણાં જમા થયા તેનો ખ્યાલ આવતા જ અનિલભાઈએ અસલ અરજદારને શોધવા માટેની પ્રક્રિયા હાથ ધરી દીધી હતી. વહીવટીતંત્રના વિવિધ વિભાગો પાસેથી નાણાં પરત કરવા વિશે માર્ગદર્શન મેળવતાં મેળવતાં એક દિવસ તેઓ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે રોજગાર નોંધણીના કામ અર્થે પહોંચી ગયા. સૌ અરજદારો સાથે સંવદેનશીલ અભિગમ દાખવનાર જિલ્લા રોજગાર અધિકારીશ્રી પ્રશાંત ત્રિવેદીને અનિલભાઈએ આ બાબત જણાવી અને માર્ગદર્શન માટે રજૂઆત કરતા તુરંત જ જિલ્લા રોજગાર વિનિમય કચેરીમાં કાર્યરત કરિયર કાઉન્સેલરશ્રી વિજયભાઈ નંદાણીએ આગવી સૂઝબૂઝથી અસલ અરજદારનું નામ – સરનામું શોધી આપ્યું અને ત્યારબાદ આ બાબતે બોટાદ જિલ્લાના અધિક નિવાસી કલેકટર મુકેશભાઈ પરમારને મળી તેમનું માર્ગદર્શન લેવામાં આવ્યું સાથોસાથ પરમારે સુરેન્દ્રનગરના અધિક નિવાસી કલેકટર ને અરજી લખી આ બાબતે અવગત કર્યા. અનિલભાઈએ મનોમન આ કામગીરીને શક્ય એટલી ઝડપે પૂરી કરવાના સંકલ્પને સિદ્ધ કરવાનાં મક્કમ નિર્ધાર સાથે ઘરેથી નીકળી પહોચી ગયા અરજદારના સરનામે સુરેન્દ્રનગર…ત્યાં પહોંચતા જાણ થઈ કે અરજદાર બોટાદ જ રહે છે જેથી તેમને મળી અનિલભાઈએ પોતાને મળતાં નાણાં અસલ અરજદાર ચીકાભાઈને પરત કરવાની તૈયારી બતાવી. જરૂરી પ્રક્રિયા દ્વારા ટેક્નિકલ ખામી સુધારી હવેથી તમામ હપ્તાઓ ખેડૂતપુત્ર ચીકાભાઈને મળે તે માટે અનિલભાઈએ તમામ કામગીરી પૂર્ણ કરી અને આજે જિલ્લા સેવા સદનમાં કલેક્ટર કચેરીના કોંફરન્સ હોલમાં અધિક નિવાસી કલેકટર મુકેશભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં લાભાર્થી ધરતીપુત્રને અઢાર હજાર રૂપિયા પરત કરતો ડ્રાફ્ટ સોંપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર એ અનિલભાઈનો આભાર માનતાં જણાવ્યું હતું કે, આજના સમયમાં આવી પ્રામાણિકતા ભાગ્યે જ જોવા મળે છે ત્યારે દિવ્યાંગ અનિલભાઈએ ખરેખર દિવ્ય અને પ્રેરણાદાયી પગલું ભરી સમાજમાં પ્રમાણિકતાનું જીવંત ઉદાહરણ રજૂ કર્યું છે. આ બદલ અનિલભાઈનો વહીવટીતંત્ર દ્વારા પણ હું આભાર વ્યક્ત કરું છું તેમ પરમારે ઉમેર્યું હતું.
આ તકે અનિલભાઈએ પોતાનો અનુભવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મેં નાનપણથી જ એક વાતની મનમાં ગાંઠ વાળી લીધી હતી કે કોઈની વસ્તુ ક્યારેય ન લેવી…ટેક્નિકલ ક્ષતિને પગલે ભૂલથી મારા ખાતામાં નાણાં જમા થતા મેં મનોમન દ્રઢ નિશ્ચય કરી લીધો કે આ નાણાં હું તેના ખરાં માલિક સુધી પહોંચાડીને જ રહીશ. આ પ્રસંગે અસલ લાભાર્થી ચીકાભાઈએ ઉમેર્યું કે, અનિલભાઈનો ખરા દિલથી આભાર કે એમણે મને શોધીને મારા નાણાં પરત કર્યા, આજનાં સમયમાં આ પ્રકારના વ્યક્તિ મળવા દુર્લભ છે. અનિલભાઈની પ્રેરણાદાયી દાસ્તાનથી પ્રેરાઈ ચીકાભાઈએ પણ તેમને મળેલા તમામ રૂપિયા મંદિરના નિર્માણ અર્થે જ વાપરવાનો નિર્ણય લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે અધિક નિવાસી કલેક્ટર ની ઉપસ્થિતી મા આયોજિત નાણાં પરત કરવાના કાર્યક્રમમાં અધિક કલેકટરએ અનિલભાઈને સુતરની આટીથી સન્માનિત કર્યા હતા. આ તકે જિલ્લા રોજગાર અધિકારી પી.કે.ત્રિવેદી પણ ઉપસ્થિત રહી પ્રામાણિકતાના વંદના કાર્યક્રમમાં જોડાયા હતા. અનિલભાઈ જેવા પ્રામાણિક વ્યક્તિઓ ખરેખર પ્રામાણિકતાની મિસાલ છે જેઓ પોતે પણ પ્રજવલિત થઈ અન્ય માટે પ્રેરણારૂપ બને છે અને સમાજમાં દિવ્ય ઉદાહરણ પૂરું પાડે છે.
રિપોર્ટર : સંજય ડણીયા બોટાદ