નેસવડ ગામની સખી મંડળની બહેનો ગૃહ ઉદ્યોગની વસ્તુઓ બનાવીને ૫ગભર બની અન્યોને પણ પ્રેરણા આપી રહી છે

હિન્દ ન્યુઝ, ભાવનગર

હાલ વિશ્વના ગમે તે ખૂણે જઇએ ત્યાં એક ગુજરાતી પરિવાર તો મળી જ જાય. એટલે જ અરદેશર ખબરદારે કદાચ લખ્યું છે કે, ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત’…. ગુજરાતી લોકો ખાવાનાં ખૂબ શોખીન છે. ખાખરા, ખમણ, ઢોકળા, હાંડવાં જેવી અનેક વાનગીઓ તેમને હૈયે વસે છે. આ નવીનતમ આઇટમોને ગુજરાત થી લઇ સમગ્ર વિશ્વમાં ગુજરાતે પ્રચલિત કરી છે.

ગુજરાતી લોકોની ટેસ્ટની સવારી સવારે ચા સાથે ખાખરાથી શરૂ કરી રાત્રીનાં ભોજનમાં અથાણા સુધી ફેલાયેલી છે. આથી જ ગુજરાતમાં અનેક જગ્યાએ આવી વાનગીઓ બનાવવા માટે નાના-મોટા ગૃહ ઉદ્યોગ શરૂ કરવામાં આવેલ છે. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં સખી મંડળ બનાવી બહેનો આવાં ગૃહ ઉદ્યોગ ચલાવીને પગભર થવાં માટેની લીડ લઇ રહી છે.

આવું જ એક સખી મંડળ ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં નેસવડ ગામનાં નિકિતાબેન મકવાણાએ તૈયાર કરેલ ગૃહ ઉદ્યોગની વસ્તુઓ ઉત્પાદન કરીને તેને ભાવનગર અને આજુબાજુનાં જિલ્લામાં વેચાણ દ્વારા આવક ઊભી કરી પોતે આત્મનિર્ભર બની અન્યનેન પણ આત્મનનિર્ભર બનવા માટે પ્રેરીત કરી રહી છે.

રાજ્ય સરકાર ગ્રામીણ ગૃહઉદ્યોગ ક્ષેત્રની બહેનો પગભર બને અને પોતાનો ગૃહઉદ્યોગ સારી રીતે ચલાવે અને તેની આજીવિકામાં વધારો કરે તે માટે સતત પ્રયત્નશીલ રહી છે. આવી બહેનો પગભર બની સમાજમાં પોતાની ઓળખ ઉભી કરી પોતાનામાં રહેલ હુન્નરને બહાર લાવાવા માટેનું પ્લેટફોર્મ એટલે ‘મિશન મંગલમ યોજના’.

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં વંદે ગુજરાત હેઠળ રાજ્યનાં ૨૦ વર્ષનાં વિકાસની વિકાસયાત્રા પ્રદર્શન અને સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આવું જ વંદે ગુજરાતની પ્રદર્શની અને સખી મેળો ભાવનગરનાં જવાહર મેદાન ખાતે યોજાયું છે જેમાં નિકિતાબેને પોતાનો સ્ટોર બનાવીને ખાખરા અને અન્ય ખાદ્યખોરાકીની વસ્તુઓનું વેચાણ કરી રહી છે.

આ અંગે સખી મંડળનાં નિકિતાબેન મકવાણાએ જણાવ્યું હતું કે, તેઓ પોતે સખી મંડળની શરૂઆત ખાખરા બનાવવાથી કરી હતી. ગુજરાતના લોકો સવારે ચા સાથે ખાખરાનો લાહવો લેવાં માટે ઉત્સાહિત હોય છે. તેથી શરૂઆતમાં સાદા ખાખરાથી અમે શરૂઆત કરી હતી. ધીમે-ધીમે બીજી વસ્તુઓની પણ શરૂઆત કરી સાથે-સાથે નવિનતમ ફ્લેવર સાથેનાં ખાખરા બનાવી તેનું વેચાણ કરી રહ્યાં છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ખાખરાથી શરૂઆત કરતાં સારો પ્રતિસાદ મળ્યો અને ત્યારબાદ કુકીઝ બનાવવાની પણ તેઓએ શરૂઆત કરી હતી. શરૂઆતમાં પોતાના ગામમાં જ વેચાણ કરતાં હતા અને બાદમાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સખી મેળાઓ થકી અનેક જિલ્લાઓમાં તેમનું વેચાણ શરૂ કરાયું અને આ મેળાઓ થકી આવકમાં પણ વધારો થયો છે. ખાખરાની સાથે કુકીઝ, વેફર, અથાણાઓ બનાવવા માટેની જરૂરી ટ્રેનિંગ લઇ હાલમાં તે વસ્તુઓ પણ બનાવવામાં આવે છે અને ભાવનગર જિલ્લા સિવાય અન્ય જિલ્લાઓમાં પણ તેમનું વેચાણ કરીએ છીએ.

તેમણે કહ્યું કે, પોતે ગ્રેજ્યુએટ થયાં પછી પોતાની જાતે પગભર થવા માટે સખી મંડળની શરૂઆત કરી હતી. તેમની સાથે અન્ય બહેનોને પણ પગભર કરવા માટે તેમના દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યાં છે. જેથી તેમનાં મંડળની તમામ બહેનોને સાથે રાખી તેઓ તથા મંડળની તમામ બહેનોને પગભર કરી છે.

કોઇપણ વ્યક્તિ પગભર બની પોતાના સાથે પરિવારનું પણ ભરણપોષણ ચાલે તે માટે એક ટેકારૂપ સાબિત થાય છે. રાજ્ય સરકાર દ્વારા પણ પગભર થવા માટે સખી મંડળ થકી પ્લેટફોર્મ પુરૂ પાડ્યું તે બદલ સરકારનો નિકિતાબેને આભાર માન્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા બહેનો પગભર બને તે માટે અનેક નવિનતમ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. જેનાં કારણે છેવાડાના ગામની મારા જેવી અનેક બહેનો પગભર થઇ છે. મહિલાલક્ષી આવી યોજનાઓને કારણે રાજ્યની મહિલાઓ હવે આર્થિક રીતે પગભર થવાં સાથે પોતાના પરિવારને ચલાવવાં માટે ખભેખભો મિલાવી આગળ આવી રહી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment