ઉનાળુ વેકેશનમાં શાળાના ૬૫૦ બાળકો લખીને ઘડિયા શીખશે

હિન્દ ન્યુઝ, આણંદ

   સમગ્ર રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માઘ્યમિક અને કોલેજોમાં વેકેશન શરૂ થયું છે, શાળાના ભૂલકાઓ વેકેશન દરમિયાન મોજ મસ્તી કરે સાથે સાથે ભણવામાં પણ રુચી દાખવે તેવા પ્રકારનું વિશિષ્ટ કાર્ય આણંદ પાસેના હાડગૂડમાં આવેલી પ્રાથમિક શાળાના આચાર્ય હિરેનભાઈ મેકવાન અને તેમની ટીમ દ્વારા વેકેશન દરમિયાન શૈક્ષણિક નવતર પ્રયોગ થકી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે નૂતન પ્રયોગ કરવામાં આવ્યો છે.

ગણિતનો પાયો ગુણાકાર છે અને ઘડિયા એ ગુણાકારની પ્રક્રિયાને સુગમ બનાવતી ચાવી છે….અહી આ નમ્ર પ્રયાસ સાથે બાળકોની ગણિતની ચાવી કહો કે Master key આત્મસાત થાય એ હેતુથી શાળામાં અભ્યાસ કરતાં ૬૫૦ જેટલા વિદ્યાર્થીઓને ‘લખતાં લખતાં ઘડિયા શીખીએ’ લેખન નોટ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

    આચાર્ય મેકવાને જણાવ્યું કે સંશોધન એવું કહે છે કે એક વખત લખવું એટલે સાત વખત વાંચવા બરાબર છે. લખતી વખતે એક સાથે ઘણી બધી પ્રક્રિયાઓ જોડાતી હોય છે તેથી યાદશક્તિમાં વધારો થાય છે. ઉનાળુ વેકેશનમાં વિદ્યાર્થીઓ શાળા અને શૈક્ષણિક પ્રવૃતિ સાથે જોડાયેલા રહે તે માટે ૩૫ દિવસના ઉનાળુ વેકેશન દરમ્યાન વિદ્યાર્થીઓ દરરોજ એકાના અને અગિયારાના ઘડિયા લખી શકે તે માટેની લેખન નોટ બનાવીને વિદ્યાર્થીઓને આપવાની નૂતન પહેલ કરવામાં આવી છે.

લખતાં લખતાં ઘડિયા શીખીએ નવતર પ્રયોગની લેખન નોટબુકનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન પ્રજાપતિએ વિમોચન કર્યું હતું. આ સમયે નિવૃત નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, બીટ કેળવણી નિરીક્ષક સુભાષભાઈ પટેલે હાજર રહીને પ્રોત્સાહન આપ્યું હતું.

મુખ્ય શિક્ષક મેકવાનના પ્રયત્નોથી ઘડિયા લેખન નોટ વિદ્યાર્થીઓને શાળા સાથે જોડી રાખશે. એકા અને અગિયારાનાં ઘડીયાનું લેખન કરતા વિદ્યાર્થીને ઓછામાં ઓછી ૩૦ મિનીટ જેટલો સમય લાગે છે. ૩૫ દિવસની કુલ મિનીટ ગણવામાં આવે તો ૧૦૫૦ મિનિટ થાય જેના કુલ કલાક ૧૮ થાય… વેકેશન દરમ્યાન વિદ્યાર્થીઓ ૧૮ કલાકથી વધુ સમય શૈક્ષણિક પ્રવૃતિ સાથે જોડાયેલા રહેશે જે આગળના વર્ષમાં વિદ્યાર્થીઓને ઉપયોગી સાબિત થશે.

     આ નવતર પ્રયોગ થકી વિદ્યાર્થીઓ દરરોજ એકા અને અગિયારાના ઘડિયા લખશે.ઘડિયા લેખન કર્યા બાદ તેનું વાંચન કરશે અને વાલીની મદદથી મૂલ્યાંકન પણ કરશે. શાળામાં અભ્યાસ કરતાં ૬૫૦ જેટલા વિદ્યાર્થીઓ સામૂહિક ધોરણે ઘડિયાનો અભ્યાસ કરશે.

વિદ્યાર્થીઓને ગણિત વિષય પ્રત્યે રસ જળવાય રહે સાથે સાથે ચિવટ અને ચોકસાઇ કેળવાય, વ્યવહારુ જીવનમાં ઘડિયા ઉપયોગી બને એવા શુભાશયથી શાળાના મુખ્ય શિક્ષક દ્વારા લખતાં લખતાં ઘડિયા શીખીએ નવતર પ્રયોગ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસાર્થે હાથ ધરવામાં આવ્યો છે. આ નવતર પ્રયોગને વિદ્યાર્થીઓ અને વાલીઓએ સહર્ષ સ્વીકારી શાળાને હકારાત્મક સહકાર આપ્યો છે.

Advt

 

 

 

 

Related posts

Leave a Comment