હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજ્ય સરકાર દ્વારા સ્વસ્થ અને નિરોગી સમાજના નિર્માણ માટે વિવિધ યોજનાઓ અમલી બનાવીને લોકો સુધી વિવિધ લાભો પહોંચાડવાની કામગીરી હાથ ધરી રહી છે. તંદુરસ્ત માતા જ તંદુરસ્ત બાળકને જન્મ આપે છે. બાળ વિકાસ યોજનાઓનો મુખ્ય હેતુ માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધાર લાવવાનો છે. ગર્ભમાં રહેલ બાળકના ૨૭૦ દિવસ અને જન્મથી ૨ વર્ષ સુધીના ૭૩૦ દિવસ પોષણ અને વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના હોય છે. આ બાબતની અગત્યતાને ધ્યાને લઇ સરકાર દ્વારા આ ૧૦૦૦ દિવસમાં સગર્ભાઓના પોષણ માટે “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” અમલમાં મુકવામાં આવી છે. ત્યારે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલે જણાવ્યું છે કે, હાલમાં રાજ્યભરમાં આશરે ૩,૨૫,૯૧૮ મહિલાઓ તેમજ રાજકોટ જિલ્લામાં આશરે ૧૨,૧૦૫ મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી રહી છે. ઉલ્લેખનીય છે કે, “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” હેઠળ લાભાર્થીઓને પ્રતિ માસ પ્રતિ લાભાર્થી ૨ કિલો ચણા, ૧ કિલો તુવેરદાળ અને ૧ લિટર ખાદ્યતેલ આપવામાં આવે છે. લાભાર્થીઓને કિટનું વિતરણ આંગણવાડી કેન્દ્રથી કરવામાં આવે છે. સગર્ભાઓ પ્રથમ વખત સગર્ભાવસ્થાની નોંધણીથી સંભવિત પ્રસૂતિની તારીખ સુધી તેમજ માતાઓ પ્રથમ બાળકના જન્મથી ૨ વર્ષ સુધી આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી આધાર કાર્ડ ધરાવતા હોવા જોઇએ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ”ટેકો” (ટેકનોલોજી ફોર કમ્યુનિટી હેલ્થ ઓપરેશન) સોફટવેરમાં નોંધણી થયેલ હોવી જોઇએ. ત્યારબાદ લાભાર્થીએ આઇ.સી.ડી.એસ. યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં નોંધણી કરાવવાની રહેશે તથા આંગણવાડી સેવાઓનો લાભ લેવાનો રહેશે. આરોગ્ય વિભાગના સોફ્ટવેર (ટેકો)માં સગર્ભા મહિલા અને જન્મથી બે વર્ષ સુધીના બાળક તથા માતાની નોંધણી કરાવવાની રહેશે.