મેલેરિયામુક્ત ગુજરાત-૨૦૨૨ અંતર્ગત ભાવનગરની વિવિધ શાળાઓમાં નિદર્શન સહ જનજાગૃતિ

શાળા પ્રવેશોત્સવ સાથે આરોગ્યોત્સવ

હિન્દ ન્યુઝ, ભાવનગર

     સમગ્ર રાજ્યમાં અત્યારે શાળા પ્રવેશોત્સવ સાથે કન્યા કેળવણી મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે તેની સાથે-સાથે જ ભાવનગર જિલ્લામાં મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૨૨ અભિયાન અંતર્ગત ભાવનગરની વિવિધ શાળાઓમાં નિદર્શન સહ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આ અભિયાન અંતર્ગત આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉસરડ હેઠળ આવતાં વળાવડ ગામ ખાતે આવેલી સચ્ચિદાનંદ શાળામાં અભ્યાસ કરતાં બાળકોને મેલેરિયામુક્ત ગુજરાત-૨૦૨૨ ના મિશન અંતર્ગત ડેન્ગ્યુ, ચીકનગુનિયા, મેલેરિયા વગેરે જેવાં મચ્છરજન્ય રોગોનો ફેલાવો, તેનાથી બચાવ માટેના ઉપાયો, તેને અટકાવાના ઉપાયો વગેરે બાબતો અંગે શાળાના બાળકોને પ્રોજેક્ટર પર વીડિયો દ્વારા તથા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના ડિજિટલ ઉપક્રમોથી અલગ-અલગ સ્લાઈડો દ્વારા સમજણ આપવામાં આવી હતી.

આ સાથે એક ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તે દ્વારા મચ્છર તથા પાણીજન્ય રોગચાળો અંગે ચિત્ર દોરીને તે અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સુપરવાઇઝર રામદેવ સિંહ ચુડાસમા, આર.બી.એસ.કે. ટીમના ડૉ.રૂપલબેન વૈષ્ણવ, આરોગ્ય કર્મચારી રસિકભાઈ ધાંધલાએ જહેમત ઉઠાવી હતી.

ગુરુકુળના આચાર્ય ફાધર વિનોદભાઈ તથા તમામ સ્ટાફ દ્વારા આ અંગેનો જરૂરી સાથ- સહકાર મળ્યો હતો.

અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે મચ્છરજન્ય રોગચાળો માથું ઉંચકે છે તેવાં સમયે તેને ઉગતો જ ડામી શકાય તે માટે શાળાથી માંડીને સમાજ સુધી વિવિધ પ્રકારે જનજાગૃતિ કેળવાય તે માટે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

Related posts

Leave a Comment