પાલિતાણા ખાતે નારી સંરક્ષણગૃહની મુલાકાત લઇ સર્વગ્રાહી સમીક્ષા કરતાં કલેક્ટર

હિન્દ ન્યુઝ, ભાવનગર

         ભાવનગર કલેક્ટર યોગેશ નિરગુડેએ આજે ભાવનગરના પાલિતાણા ખાતે આવેલ નારી સંરક્ષણ ગૃહની મુલાકાત લઇ સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. કલેક્ટરએ નારી સંરક્ષણ ગૃહની મુલાકાત લઇને ગૃહની તમામ વ્યવસ્થાઓ ચકાસી હતી. તેમણે નારી સંરક્ષણ ગૃહમાં રહેલ મહિલાઓ સાથે સંવાદ સાધી ગૃહમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશેની જાણકારી મેળવી હતી. તેમણે ગૃહમાં રહેલી મહારાષ્ટ્રની મહિલા સાથે મરાઠીમાં વાતચીત કરી તેની વ્યથા જાણી હતી. કલેક્ટરએ ગૃહમાં આર્થિક ઉપાર્જન માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશેની પણ વિસ્તૃત વિગતો જાણી હતી.

આ ઉપરાંત તેમના કામકાજના નાણાં તેમના ખાતામાં જ જમા થાય છે કે નહીં તેની પૃચ્છા કરીને જરૂરી મદદ- સહાયની ખાતરી આપી હતી. તેમણે મુલાકાત બાદ નારી સંરક્ષણ ગૃહના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજીને મહિલાઓના પ્રશ્નો અને તેના નિરાકરણના પગલાઓ વિશેની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમની આ મુલાકાત વેળાએ પ્રાદેશિક નગરપાલિકા કમિશનર અજય દહિંયા, મહિલા સુરક્ષા અધિકારી કે.વી. કાતરીયા તેમજ મહિલા સુરક્ષા વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment