હિન્દ ન્યુઝ, વીંછિયા
આઈ.ટી.આઈ. સંસ્થાઓ થકી અનેક યુવાનોમાં શ્રમ કૌશલ્યનો વિકાસ કરીને રોજગારીની તકો પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે : મંત્રી બ્રિજેશભાઇ મેરજા
રાજકોટ ઔદ્યોગિક તાલીમ સંસ્થા વિછીયાના મકાનનું ખાતમુહૂર્ત શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજય મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજા કહ્યું હતું કે, યુવાનોમાં સ્કીલ ડેવલપમેન્ટની બાબતે ગુજરાત સદા અગ્રેસર રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઝીલ, વિલ અને સ્કિલના સિદ્ધાંતોના આધારે તાજેતરમાં યોજાયેલી વેસ્ટ ઝોનના રાજ્યોની સ્કીલ ડેવલપમેન્ટ કોમ્પિટિશનમાં ૪૦ માંથી ૧૮ વિદ્યાર્થીઓએ મેડલ પ્રાપ્ત કર્યો છે. જે સમગ્ર ગુજરાત માટે ગર્વની વાત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. જસદણ તાલુકામાં સૌપ્રથમ ડીઝલ એન્જિન બન્યું ત્યારબાદ આ વિસ્તારમાં ઝાલર, હલર વગેરેનો ઉદ્યોગોનો વિકાસ થયો છે.
હાલમાં ગુજરાતના તમામ તાલુકાઓમાં આઈ.ટી.આઈ. સંસ્થાઓ કાર્યરત છે, જેના થકી અનેક યુવાનોમાં શ્રમ કૌશલ્યનો વિકાસ કરીને રોજગારીની તકો પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ વિસ્તારના પૂર્વ કેબીનેટ મંત્રી કુવરજીભાઈ બાવળિયાએ સમગ્ર તાલુકાના વિકાસનો ચિતાર આપતા કહ્યું હતું કે, ઓગસ્ટ-૨૦૧૫માં ભાડાના મકાનમાં શરૂ થયેલી આઈ.ટી.આઈ- વિંછીયાની શરૂઆત થઇ હતી અને આજરોજ આઈ.ટી.આઈ.ના ભવનનું ખાતમુહૂર્ત થતાં સમગ્ર તાલુકામાં વિકાસની એક નવી કલગી ઉમેરાઈ છે. આ વિસ્તારના લોકોમાં કૌશલ્ય અને આવડત છે તેને બહાર લાવીને રોજગારી ઊભી કરવાનો અભિગમ સાથે ઔદ્યોગિક તાલીમ સંસ્થાનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. રૂ. ૬ કરોડના ખર્ચે બનનારા આઈ.ટીઆઈમાં આ વિસ્તારને લગતા ઉદ્યોગોને અનુરૂપ નવા ટ્રેડને મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત, શિક્ષણવિભાગ દ્વારા વિજ્ઞાનશાખાની હાયર સેકન્ડરી સ્કુલના મકાનનું રૂ૪.૫૦ કરોડના ખર્ચે ભૂમિપુજન કરવામાં આવશે તેમજ વિજ્ઞાન પ્રવાહની કોલેજની પણ મંજૂરી આપવામાં આવી છે. આ તકે પ્રદેશ અગ્રણી ભરતભાઇ બોઘરાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. પાના નં ૨ પર પાના નં ૨ એપ્રેન્ટીસ યોજના અન્વયે લાભ મેળવનાર તાલીમાર્થીઓનું સર્ટીફિકેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આઈ.ટી.આઈ. વીંછીયાની શરૂઆત ઓગસ્ટ ૨૦૧૫ મા કરવામાં આવી હતી. સંસ્થા ખાતે હાલમાં ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, મીકેનીક ડીઝલ એન્જિન, કમ્પ્યુટર ઓપરેટર એમ ૪ ટ્રેડમા તાલીમ આપવામાં આવે છે. સંસ્થા ખાતે હાલમાં ૧૪૬ તાલીમાર્થીઓ તાલીમ લઇ રહ્યા છે. આજ દિન સુધીમાં સંસ્થામાં હજારથી વધારે તાલીમાર્થીઓએ તાલીમ લઇને રોજગારી તથા સ્વરોજગારી મેળવી રહ્યા છે. સરકાર દ્વારા નવા મકાનના બાંધકામ માટે ૧૦,૧૧૮ ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે જે પૈકી ૩૩૭૧.૦૨ ચોરસ મીટર જમીન પર બાંધકામ કરવામાં આવશે. જરૂરિયાત મુજબ નજીકના ભવિષ્યમાં નવા ટ્રેડનો પણ પ્રારંભ કરવામાં આવશે. ૧૦ ક્લાસ રૂમ, ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટોર ફસ્ર્ટ ફલોર સ્ટોર, વેલ્ડર વર્કશોપ, ફીટર વર્કશોપ, મિકેનિકલ વર્કશોપ, મોટર વર્કશોપ, વાયરમેન વર્કશોપ, પ્લમ્બર વર્કશોપ, આઈ.ટી લેબ, કોપા લેબ, ઇલેક્ટ્રિશિયન લેબ, લાઇબ્રેરી, મલ્ટીપર્પજ હોલ, સિવણકામ રૂમ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, પ્લેગ્રાઉન્ડ એરીયા જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આઈ.ટીઆઈ વીંછિયાના ખાતમુહૂર્ત પ્રસંગે વીંછિયાના પ્રાંત અધિકારી પી.ડી.વાંદા, એડીશ્નલ ડીરેક્ટર કે.વી.ભાલોડી, નાયબ નિયામક (તાલીમ) વી.એસ.ચંપાવત, આઇટીઆઇના રિજીયોનલ હેડશ્રી યોગેશભાઈ જોષી, આઈ.ટી.આઈ રાજકોટના પ્રિન્સિપાલ નિપુણ રાવલ, આઈ.ટી.આઈ ગોંડલના પ્રિન્સિપાલ આર.એસ.ત્રીવેદી સહિતના અધિકારીઓ તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.