અરવલ્લીના મોડાસા ખાતે આન-બાન-શાન સાથે ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, મોડાસા

અરવલ્લી જિલ્લાકક્ષાનો ૭૩મો પ્રજાસત્તાક પર્વ મોડાસાની ઇજનેરી કોલેજ ખાતે જિલ્લા સમાહર્તા નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં યોજાયો હતો જયાં તેમણે ધ્વજવંદને સલામી આપી પોલીસ પ્લાટુનનું નિરીક્ષણ કર્યું હતું. કલેકટર નરેન્દ્રકુમાર મીનાએ જિલ્લાવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી સાથે કોરોના વોરીયર્સને પણ શુભેચ્છાઓ અપર્ણ કરી હતી. તેમણે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશની એકતા અને અખંડિતાને ટકાવી રાખવામાં સંવિધાનનો મોટો ફાળો હોવાનું જણાવી દરેક નાગરીકને બંધારણમાંથી મળેલ મૂળભૂત ફરજો અને મૌલિક અધિકારોની સમજ આપી તેના દાયિત્વને નિભાવવા અરજ કરી હતી. વૈવિધ્યતાથી સમૃધ્ધ એવા દેશના નાગરિકો લોકશાહિને સાચવી રહ્યા હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું. છેવાડાના માણસ સુધી સ્વરાજના ફળ પંહોચાડવા રાજ્યની આ સરકાર કામ કરી રહી હોવાનું ઉમેરી તેમણે લોકામિભુખ અને પારદર્શક વહિવટીનો અહેસાસ પ્રજાને થઇ રહ્યો હોવાનું તેમણે ઉમેર્યુ હતું. કલેકટરએ વૈશ્વિક મહામારીમાં કોરોનાને મ્હાત આપવા સૌ લોકો એકજુટ બન્યા જેથી પરિસ્થતિને કાબુમાં લઇ શક્યા હોવાનું જણાવતા ઉમેર્યુ હતુ કે, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ઘદ્રષ્ટીથી આરોગ્યક્ષેત્રે અસરકારક કદમ લેવાયા છે. તેમણે દેશના પ્રધાનમંત્રીએ કોરોનાની મહામારી સામે મફત રસીકરણની શરૂઆત કરી અને સ્વદેશી રસીકરણની પહેલ કરી આત્મનિર્ભર ભારતના લક્ષ્યને સાકાર કરી રહ્યા છે.

જેમાં ગુજરાતે પણ સર્વાગી વિકાસ દિશામાં અગ્રેસર બની રહ્યા છે. કલેકટર એ કોરોના મહામારીમાં ફ્રન્ટ લાઇન કોરોના વોરીયર્સ અને અન્ય સહયોગી સંસ્થાઓની કામગીરીને બિરદાવી મહામારીમાં જીવ ગુમાવનારને શ્રધ્ધાજંલિ પાઠવી તેમના પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી. કલેકટરએ અરવલ્લી જિલ્લાની વાત કરતા જણાવ્યું હતું કે, ૨૦૧૩થી આ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી વિકાસક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. શામળાજીના કાળીયા ઠાકોર અને બૌધ્ધની અમૂલ્ય વિરાસત ધરાવતા શ્રધ્ધાના કેન્દ્રો છે. આઝાદીકાળમાં અમૂલ્ય ફાળો આ જિલ્લાનો રહ્યો છે. તો સાહિત્યક્ષેત્રે નામના ધરાવનાર ઉમાશંકર જોષી અને પન્નાલાલ પટેલ આ જિલ્લાના સપૂત હોવાનું જણાવ્યું હતું. જિલ્લામાં થયેલા વિકાસલક્ષી કામોની વાત કરતા કલેકટર નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષો ખુબ કપરા રહ્યા. લોકડાઉનના લાંબા કાળ બાદ આપણા જિલ્લાનું જનજીવન પુન: ધબકતું થયું. જિલ્લામાં સાર્વજનિક હોસ્પિટલ અને વાત્રક હોસ્પિટલને કોવિડ કેર સેન્ટર જાહેર કરવાની સાથે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરતા દર્દીઓને મફતમાં ઘનિષ્ઠા સારવાર અપાઇ તેમજ સંક્રમણથી બચાવવા મહત્તમ લોકોના ટેસ્ટ થાય તે માટે ભિલોડા ખાતે RTPCR લેબની સુવિધા ઉભી કરાઇ છે. તો કોવિડ અટકાયતી માટે રસીકરણ અગત્યની કામગીરી હાથ ધરી ૮,૦૮,૨૯૩ લોકોને રસીનો પ્રથમ ડોઝ જયારે ૭,૩૨,૨૯૩લોકોને રસીનો બીજો ડોઝ હેઠળ આવરી લેવાયા છે તો ૭,૮૩,૩૫૫ કિશોર-કિશોરીઓને રસીકરણના સુરક્ષા કવચ પુરૂ પડાયું છે. જયારે ૨૩૯૦૯ લોકોને બુસ્ટર ડોઝ પુરો પડાયો છે. ઉપરાંત આગામી સમયમાં રૂ.૧૨૧ કરોડના ખર્ચે અરવલ્લી જિલ્લામાં સિવિલ હોસ્પિટલ તથા ભિલોડા ખાતે રૂ. ૩૩ કરોડના ખર્ચે સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું નિર્માણ થતા આરોગ્ય સુખાકારીમાં વધારો થશે તેમ કલેકટરએ ઉમેર્યુ હતું. તેમણે નલ સે જલની વાત કરતા કહ્યુ હતુ કે જિલ્લાના ૬૭૫ ગામોમાંથી ૩૮૩ ગામોના ૨,૯૦,૭૭૮ ઘરોમાંથી ૨,૨૨,૬૮૨ ઘરોને ઘરજોડાણ હેઠળ આવરી લેવાયા છે. જયારે નર્મદાના નીર ઘરે ઘરે પંહોચે તે માટે પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ કાર્યન્વિત કરાઇ હોવાનું જણાવ્યું હતુ. તેમણે મોડાસા અને બાયડ શહેરમાં હાથ ધરનાર વિકાસકાર્યોની પણ વાત કરી હતી. તેમણે જિલ્લાના છ તાલુકાઓમાં રૂ. ૨૯૩૨.૮૮ લાખના ખર્ચે ૧૮૦૮ કામો હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવી સ્વચ્છતા ક્ષેત્રે ૧૭૧ કરોડના ખર્ચે ૧,૪૩,૦૦૦ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું, જયારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૨૭૮૦૧ આવાસ મંજુર કરી તેમણે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરાયું છે. તેમણે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, સખી મંડળ અને ગરીબ લાભાર્થીઓ માટે કરાયેલ કલ્યાણકારી કામોની પણ વિગત આપી હતી.

શિક્ષણક્ષેત્ર નોંધનીય કામગીરી થઇ હોવાનું પણ જણાવ્યું હતું. કોરોના કાળમાં કોઇ નાગરીક ભૂખ્યા પેટે ન સુવુ પડે તે માટે ૧,૫૬,૪૭૯ પરીવારોને વિનામૂલ્યે રાશન અપાયું છે. જયારે વન નેશન વન રેશન યોજનામાં જિલ્લામાં પ્રોત્સાહક કામગીરી કરાઇ છે. જિલ્લામાં ધોરીમાર્ગોના થયેલા વિકાસની વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં રૂ.૧૨૬.૦૯ કરોડના ખર્ચે ૧૬ કામો નવા મંજૂર થયા છે જયારે જિલ્લામાં નવિન રમત ગમત સંકુલ, આઇટીઆઇ, છાત્રાલય, ટ્રાયબલ હાટ સહીતના નવિન ભવનોનું કામ અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓનું સુદ્દઢીકરણ હાથ ધરવામાં આવશે તેમ ઉમેર્યુ હતું. ખેતીક્ષેત્રે થયેલા કામની વાત કરતા જણાવ્યું હતું કે, જિલ્લાના ૧.૫૪ લાખ ખેડૂતોને કિસાન સન્માન નિધી હેઠળ આવરી લઇ રૂ. ૯૨ કરોડથી વધુની સહાય પુરી પડાઇ છે તેમજ તેમને ટેકાના ભાવે ખરીદી અને સર્ટીફાઇડ બિયારણ સહીતના લાભો પુરા પાડવામાં આવ્યા હોવાનું કલેકટર શ્રીએ ઉમેર્યુ હતું. તેમણે જિલ્લામાં કુપોષણ નિવારવા હાથ ધરાયેલા વિવિધ અભિયાનોની વાત કરી હતી. ઉજવણી પ્રસંગે વિકાસ અર્થે રૂ. ૨૫ લાખનો ચેક અપર્ણ કરાયો હતો તેમજ કોરોના કાળમાં વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર કોરોના વોરીયર્સ તેમજ કરુણા અભિયાનમાં વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર કર્મચારીઓ અને સેવાભાવી સંસ્થાઓનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત કોલેજના પ્રાંગણમાં મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. આ ઉપરાંત કોરોના વોરીયર્સને બુસ્ટર ડોઝ અપાયો હતો. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, બાયડના ધારાસભ્ય જશુભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા ટેવટીયા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, નિવાસી અધિક કલેકટર એન.ડી.પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અધિકારી, બી.ડી.ડાવેરા,જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીમાળી,મામલતદાર ગઢવી તેમજ જિલ્લા અગ્રણી રાજેન્દ્ર પટેલ, શૈલેષ ભોઇ સહિત અન્ય અધિકારીઓ-પદાધિકારી તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : મોહસીન ચૌહાણ, મોડાસા

Related posts

Leave a Comment