સુશાસન સપ્તાહ અંતર્ગત કૃષિ કલ્યાણ દિવસ ની ઉજવણી માણસા ખાતે કૃષિ રાજય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને કરાઇ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

            સુશાસન સપ્તાહ અંતર્ગત ’કૃષિ કલ્યાણ દિવસ’ની ઉજવણી માણસા ખાતે કરવામાં આવી હતી. કૃષિ રાજય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. આ નિમિત્તે ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને કૃષિલક્ષી વિવિધ યોજનાની સાધન- સહાય આપવામાં આવી હતી. તેમજ પ્રાકૃતિક ખેતી અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરીને રાજય કૃષિ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, પૂર્વ પ્રધાન મંત્રી અટલબિહારી બાજપાઇના જન્મ દિવસ તા. ૨૫મી ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે સમગ્ર રાજયમાં ઉજવવામાં આવે છે. સતત રાસાયણિક ખાતરો અને દવાનો ઉપયોગ કરીને ખેત ઉત્પાદનમાં ઘટાડો થઇ રહ્યો હતો, તેવી પ્રગતિશીલની વાતને ટકો આપીને મંત્રીએ ઉમેર્યું હતું કે, હવે, પ્રાકૃતિક ખેતી કરવાનો સમય આવી ગયો છે. આ ખેતી થકી જમીનની ગુણવત્તા વધે છે. તેમજ સર્વે ખેડૂતોને મૂલ્યવર્ધક ખેતી કરવા ભારપૂર્વક જણાવ્યુ હતું. રાજયમાં ડાંગ જિલ્લાને રાજયમાં પ્રાકૃતિક ખેતી જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. તે કહી તેમણે ઉપસ્થિત સર્વે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા થતાં ફાયદાઓની વિસ્તૃત વાત કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ખેડૂતોની આવક વર્ષ- ૨૦૨૨ સુધી ડબલ કરવામાં ઇચ્છી રહ્યા છે. તેઓ ખેડૂતોના હિતલક્ષી નિર્ણયને સદા અગ્રમતા આપે છે. તેમના માર્ગદર્શન હેઠળ કિસાન કલ્યાણ નિધિ અંતર્ગત ખેડૂતોના ખાતામાં દર વર્ષે રૂપિયા છ હજાર જમા થઇ રહ્યા છે. તે ઉપરાંત સરકારની ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાની વિસ્તૃત માહિતી પણ આપી હતી. આ પ્રસંગે યોજાયેલ કૃષિ પ્રદર્શન કેન્દ્રને રાજય મંત્રી મુકેશ પટેલ અને સાસંદ હસમુખભાઇ પટેલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. મહાનુભાવોએ કૃષિ પ્રદર્શન કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે જિલ્લાના ત્રણ ખેડૂતોને રૂપિયા ૪૫ હજારની ટ્રેકટર સહાય,કિસાન માલ- પરિવહન યોજના અંતર્ગત બે ખેડૂતોને ૭૫- ૭૫ હજારની સહાય, તેમજ દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટુંબોને એક ગાય માટે નિભાવ ખર્ચે માટેની સહાય યોજનાનો લાભ, ચાક કટર સહાય, બકરા એકમ સહાય અને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય સહિત અન્ય યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

જેમાં જિલ્લા કક્ષાના પ્રથમ અને દ્રિતીય ક્રમાંક મેળવનારને અનુક્રમે ૧૫ હજાર અને ૧૦ હજાર રકમ એનાયત કરવામાં આવી હતી. તેમજ તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્રિતીય ક્રમાંક મેળવનાર પશુપાલકને અનુક્રમે ૧૦ હજાર અને પ હજારની રકમ એનાયત કરવામાં આવી હતી. તેમજ પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અને પશુપાલન પર પોતાના અનુભવ રજૂ કર્યા હતા. મંત્રી અને મહાનુભાવોએ પશુ આરોગ્ય મેળાની પણ મુલાકાત લીધી આ પ્રસંગે ખેતી અધિકારી એસ.વી.પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઇ પટેલ, માણસા નગરપાલિકાના પ્રમુખ કૈલાસબેન પટેલ, એ.પી.એમ.સી. માણસાના ચેરમેન રમણભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઇ પટેલ, ખેડૂત અગ્રણી હિતેન્દ્રભાઇ પટેલ, ગુજરાત પોલીસ આવાસ નિગમના પૂર્વ ચેરમેન  ડી.ડી.પટેલ, ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા

Related posts

Leave a Comment