મુશ્કેલીના સમયમાં માનવતા મ્હોરી ઉઠી

હિન્દ ન્યુઝ, ભાવનગર 

      તાજેતરમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં તાઉ’તે વાવાઝોડાથી ખારે ખાનાખરાબી થઇ હતી. ૧૮૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલ પવનને કારણે કાચા- પાકાં મકાનોને પણ અસર થાય તે તો સમજાય પણ આ વાવાઝોડાને કારણે છત પરના નળિયા અને લગાવેલાં પતરા પણ ઉડી ગયાં હતાં. વીજળીના મજબૂત થાંભલાઓ અને ટ્રાન્સફોર્મરો જ્યારે ધરાશાયી થઇ ગયાં હોય ત્યારે નાના મોટા સ્ટ્રક્ચરની કુદરતની આ આફત સામે ટકવાની શું વિસાત ? રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત પરિવારો માટે તુરંત જ રાહત અને કેસડોલ્સની ચૂકવણી કરીને તુરંત જ માનવજીવન થાળે પડે તે માટેના અથક પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં. તો આ મુસીબતના સમય સમાજ સેવી સંસ્થાઓ પણ તેમનાથી થતાં પ્રયત્નો દ્વારા માનવ સેવા માટે આગળ આવી હતી.  આવી જ એક ભાવનગરની સેવાભાવી સંસ્થા છે વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગ્રામોદ્ધારની પ્રવૃત્તિઓ કરવાં માટે આ સંસ્થાની શરૂઆત ભાવનગર ખાતે આવેલાં ભંડાર ગામેથી કરવામાં આવી હતી અને છેલ્લાં ૩૦ વર્ષથી તે ગ્રામ વિકાસ માટેની વિવિધ પ્રવૃત્તિઓ કરતી આવી છે.

     તાઉ’તે વાવાઝોડાને પગલે આ સંસ્થા દ્વારા ઘોઘાના માલપર, તગડી, માલણકા, ઘોઘા, જુના રતનપર, નવા રતનપર, અવાણીયા, ભુતેશ્વર, અકવાડા, ભૂંભલી, ભાવનગર તાલુકાના સોડવદરા, શામપરા, કણકોટ, વરતેજ, કમળેજ, કરદેજ, રૂવા, સીદસર, ભંડાર ગામોમાં છત વિહીન બનેલ પરિવારોને નળિયા, સીમેન્ટના પતરાં, લોખંડના પતરાં અને તાડપત્રીની સગવડ પૂરી પાડીને જેને માથે માત્ર આભ જ ઓંઢણું રહ્યું છે તેવી દીનદુઃખિયાના માથે માનવતારૂપી ઓંઢણું પૂરું પાડ્યું છે. અસરગ્રસ્ત પરિવારોને વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં અસરગ્રસ્ત પરિવારોને અત્યાર સુધીમાં અનેક ઘર માટે નળિયાં, પતરાં અને તાડપત્રીની સહાય આપવામાં આવી છે.
આ ઉપરાંત વાવાઝોડાને કારણે પશુઓના શેડ પણ ધરાશાયી થયાં હતાં તેને આ સંસ્થા દ્વારા ફરીથી બનાવી આપવામાં આવ્યાં છે.

     આ ઉપરાંત બાગાયતી પાક અને ઉનાળું પાકને પણ વાવાઝોડાથી મોટું નુકસાન થયું હતું. જેમાં કચ્છ નવનિર્માણ અભિયાનના ચેરમેન દિવ્યેશભાઈ શ્રોફ અને વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂટના સંસ્થાના ચેરમેન નીતિનભાઈ દવેના માર્ગદર્શન હેઠળ સંસ્થાના કાર્યકરો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને આ સર્વેના આધારે પ્લાનિંગ કરી ફંડ એકત્રિત કરવા માટે જુદા- જુદા ઉદ્યોગોગૃહોને અપીલ કરવામાં આવી હતી. જેમાં જુદી-જુદી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. જેમાં ટ્રાન્સપેક ક્રિએટિવ કેમિસ્ટ્રી, વડોદરા, એક્સલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, મુંબઈ, આરતી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, મુંબઈ તાલધ્વજ કંપની, મુંબઈ, એન્કર તાલપત્રી પ્રાઇવેટ લિમિટેડ, એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ વગેરે કંપનીઓ દ્વારા રૂા.૫૦ લાખની સહાય આપવામાં આવી હતી અને વસ્તુના સ્વરૂપમાં સહાય મળી હતી.
જેમાંથી ઘોઘા ભાવનગર, રાજુલા, ગીર સોમનાથ વિસ્તારમાં વાવાઝોડાથી નુકસાન થયેલા ૧,૬૩૧ પરિવારોને એક રૂમ તૈયાર થાય તે માટે સિમેન્ટના પતરાં, લોખંડના પતરાં તથા તાડપત્રી પૂરી પાડવામાં આવી હતી.
તેમજ ૧૬ જેટલી પાંજરાપોળ અને ગૌશાળા તાળપત્રી આપવામાં આવી હતી. જેમાં હનુમાનગઢી, ભૂંભલી, પાતાળેશ્વર મહાદેવ ગૌશાળા, ભૂંભલી, મુનીબાપુ આશ્રમ, અવાણીયા-ઘોઘા, રોકડીયા હનુમાન અને રૂવા ગૌશાળા ખાતે સીમેન્ટના પતરાં અને પશુઓ માટે ઘાસચારો પૂરો પાડવામાં આવ્યો હતો.
૩૧ જેટલાં ગામોમાં બાગાયતી પાકને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખી ૨૫,૦૦૦ લીંબુ, આંબો, સરગવો, જમરૂખ, દાડમ અને સીતાફળના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંસ્થા દ્વારા ૨૬,૦૦૦ જેટલાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

     સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર ત્રાટકેલા વાવાઝોડા થી ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના ૧૧ જેટલા તાલુકાના ૬૦૦ થી વધારે ગામો ભારે નુકસાન થયું હતું. જેના કારણે ગરીબ પરિવારોના કાચાં મકાનો તેમજ પશુઓના શેડ ધરાશાયી થઇ ગયાં હતાં. માણસ અને પશુધન મૃત્યુ થયાં હતાં. તેમજ ૧૪,૯૦૦ હેક્ટર બાગાયતી પાક અને ૯,૮૦૦ હેક્ટરમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયું હતું.

      આ વિસ્તારોમાં પીવાનું પાણી, પશુઓ માટે ઘાસચારો, ગરીબ પરિવારો માટે રાસન તથા મકાનો માટે આ સંસ્થા દ્વારા થાય તેટલી મદદ કરવામાં આવી હતી તેમ સંસ્થાના ચેરમેનશ્રી નીતિનભાઈ દવે અને સી.ઇ.ઓ. શ્રી મનુભાઇ ચૌધરી દ્રારા ભાવનગરના ઘોઘા, જેસર, મહુવા, તળાજા, સિહોર વગેરે તાલુકાઓમાં આ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

      ઘોઘાના માલપર, તગડી, માલણકા, ઘોઘા, જુના રતનપર, નવા રતનપર, અવાણીયા, ભુતેશ્વર, અકવાડા, ભૂંભલી, ભાવનગર તાલુકાના સોડવદરા, શામપરા, કણકોટ, વરતેજ, કમળેજ, કરદેજ, રૂવા, સીદસર, ભંડાર વગેરે ગામોમાં પતરાં, નળિયા અને તાડપત્રીની સહાય પૂરી પાડવામાં આવી હતી. આમ, રાજ્યમાં જ્યારે જ્યારે મુશ્કેલી આવી છે ત્યારે- ત્યારે સેવાભાવી સંસ્થાઓની માનવતાની સુવાસથી માનવજીવન મહેંકતું અને પાંગરતું રહ્યું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment