રાજ્ય સરકારની નવતર પહેલઃ ઇ- સંજીવની ઓ.પી.ડી.

હિન્દ ન્યુઝ, ભાવનગર

રાજ્યમાં કોરોનાનો વ્યાપ અને વિસ્તારને કારણે અનેક લોકો કોરોનાથી સંક્રમિત થયાં છે કે કોરોના બાદની આડઅસરોને કારણે ફેફસાને નુકશાન થવાથી ટી.બી. જેવી વિવિધ સમસ્યાઓથી પીડાય છે. અસરગ્રસ્ત થયેલાં આવાં તમામ લોકોને વિશિષ્ટ સારવાર મળે તે જરૂરી છે. તે ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ઇ-સંજીવની ઓ.પી.ડી. સેવાની નવતર શરૂઆત કરવામાં આવી છે. આ ઇ- સંજીવની ઓ.પી.ડી. એટલે જાણે “ઘર આંગણે દવાખાનું” આપની એક ક્લીક અને દવાખાનું અને સારવાર આપની સામે એટલે ના તો કોઇ દવાખાને જવાની જરૂર કે ભીડને કારણે કોરોનાનો ડર એટલે કે, ઘર આંગણે જ દવાખાનું. જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવાએ આ અંગે જણાવ્યું કે, ટેલીમેડિસિન હેલ્પલાઈન નંબરઃ ૧૧૦૦ ઉપર માત્ર એક કોલ કરવાથી જનરલ ઓ.પી.ડી. સેવાની સાથે મલ્ટી સ્પેશિયાલીસ્ટ ડોક્ટર્સ દ્વારા સચોટ નિદાન અને સારવાર ભાવનગરવાસીઓને ઉપલબ્ધ બનશે. આ માટે વિવિધ રોગ માટે વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની સેવા મળી શકે છે. ૧૧૦૦ નંબર પર આ અંગે કન્સલ્ટેશન કર્યા બાદ દર્દીને કેવા પ્રકારની સારવારની જરૂર છે તેને આધારે આ નિષ્ણાંત ડોક્ટરોનું માર્ગદર્શન અને પરામર્શ મળશે.

તેમણે કહ્યું કે, ટેલિ મેડિસીન સેવા હાલના કોરોના પેન્ડેમિકના સમયગાળામાં રોગચાળાના અટકાયત માટે અગત્યનું સાધન પુરવાર થઇ શકે તેમ છે. આ યોજના જાહેર જનતા માટે નિઃશૂલ્ક અને ખૂબ જ ફાયદાકારક છે. જેનાથી પ્રજાનો તજજ્ઞોના કન્સલ્ટન્ટેશનમાં થતો ખર્ચ નિવારી શકાય છે. ભાવનગરની જનતા ખાસ કરીને ટી.બી.ના દર્દીઓ, જેલના કેદીઓ, હોમ આઇસોલેશનમાં રહેલા કોવિડ-૧૯ પોઝિટિવ દર્દીઓ અને નોન- કોવિડ દર્દીઓ વગેરેને ઇ-સંજીવની ઓ.પી.ડી. એપ ડાઉનલોડ કરવાં અને ટેલિમેડિસીન હેલ્પલાઈન નંબર- ૧૧૦૦ નો મહત્તમ ઉપયોગ કરવાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. પ્રશાંત જીલોવાએ અનુરોધ કર્યો છે. આ ઇ-સંજીવની ઓ.પી.ડી. સેવાનો લાભ હોમ આઇસોલેશનમાં રહેલા કોવિડ-૧૯ પોઝિટિવ દર્દી, તમામ નાગરિકો, ટીબીના દર્દીઓ, જેલના કેદીઓ વગેરે નિઃશૂલ્ક મેળવી શકે છે.
તેનો લાભ લેવાં માટે ઇ- સંજીવની ઓ.પી.ડી. ની એપ્લીકેશન એન્ડ્રોઇડ ફોનમાં પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે.

આ એપમાં દર્દી તરીકે રજીસ્ટર કરવાથી એક ટોકન આવે છે. જે ટોકન લખવાથી સીધા જ ઇચ્છીત તજજ્ઞોનો સંપર્ક કરી શકાય છે અને આ તજજ્ઞનું માર્ગદર્શન તથા સારવાર મળી શકે છે. તજજ્ઞો દ્વારા ઇ-પ્રિસ્ક્રીપ્શન ફોનમાં એસ.એમ.એસ. થી દર્દીને મળી જાય છે. આ ઇ-પ્રિસ્ક્રીપ્શન કોઇપણ સરકારી દવાખાનામાં બતાવવાની નિઃશૂલ્ક દવાઓ પણ મળી જાય છે.

આમ, ઇ-સંજીવની ઓ.પી.ડી. સેવા એટલે લાંબી લાઇનોમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ અને સમય અને લોકોના વધુ સંપર્કમાં આવવામાંથી પણ મુક્તિ અને મલ્ટી સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની સારવારનો લાભ તે પણ નિઃશૂલ્ક.

બ્યુરોચીફ (ભાવનગર): હકીમ ઝવેરી

Related posts

Leave a Comment