પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

    ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાવનગર જિલ્લાના આયોજન હેઠળના ચાલુ વર્ષના રૂ. ૧૩૫૬.૬૪ લાખના ૫૧૫ કામોને મંજૂરી આપવામાં આવી હતી. 

પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાવનગર જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસના કામો નોંધપાત્ર રીતે કરવામાં આવ્યાં છે તે અંગે સમગ્ર જિલ્લાની ટીમને અભિનંદન આપી કોરોનાની સંભવીત ત્રીજી લહેર સામે પણ સાવચેત રહીને તાલુકા કક્ષાએ જન પ્રતિનિધિઓની ગ્રાન્ટમાંથી કામો તેમજ આયોજન હેઠળની અન્ય જોગવાઈઓ મુજબ ઓક્સિજન અને જરૂરી વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે કામગીરી પૂર્ણ કરવાં માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે ઉપસ્થિત અધિકારીઓને ખોટો લઇ ન જાય અને સાચો રહી ન જાય તેવાં જનહિતલક્ષી અભિગમથી કાર્ય કરવાં અનુરોધ કર્યો હતો. મંત્રીએ કોરોનાને કારણે અટકેલાં કામો ઝડપથી પૂર્ણ કરી જનસુખાકારીમાં વધારો કરવાં માટે ઉપસ્થિત અધિકારીઓનું માર્ગદર્શન કર્યું હતું. તેમણે કોરોનામાં સામાજિક- ધાર્મિક સંસ્થાઓએ જે સહકાર આપ્યો હતો તેની પણ સરાહના કરી હતી.
મંત્રીશ્રીએ કહ્યું કે, કોરોનાના બે તબક્કામાંથી આપણે ઘણું શીખ્યાં છીએ અને તેના આધાર પર આપણે કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે આગોતરી તૈયારી સાથે તૈયાર રહેવાનું છે તે માટેની હાકલ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા પણ ઓક્સીજનની સગવડ, હોસ્પિટલમાં બેડ વધારવાં, તાલુકા સ્તર સુધી આરોગ્યનું માળખું સુદ્ઢ કરવાં સહિતના લેવાયેલાં પગલાઓની રૂપરેખા તેમણે આપી હતી. કોરોનાથી બચવાનો ઉપાય તકેદારી છે તેમ જણાવી તેમણે કહ્યું કે, કોરોના સામે સંરક્ષિત થવાં વધુને વધુ લોકો રસીકરણ કરાવે તે સમયની માંગ છે. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી રાજ્યના ૩.૫ કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે તેની વિગતો પણ તેમણે આપી હતી.
નવા વર્ષના આયોજન હેઠળના મંજૂર કરાયેલા કામોમાં ગ્રામ્ય અને શહેરી વિકાસના કામો તેમજ આરોગ્યને લગતાં સી.એચ.સી. અને પી.એચ.સી. સેન્ટરમાં ઘટતી સુવિધાઓ, શિક્ષણ અને આંગણવાડીના ઓરડા બનાવવાં, પીવાના પાણીની વ્યવસ્થા રસ્તા, સી.સી. રોડ, પેવર બ્લોક, સ્મશાન છાપરી જેવાં અન્ય વિકાસના કામો માટે મંજૂરી આપવામાં આવી હતી. મંત્રીએ કામોનું આયોજન હાથ ધરતી વખતે રાજ્ય સરકારની માર્ગદર્શક સૂચનાઓની પણ અમલવારી થાય તે અંગે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં અમલીકરણ અધિકારીઓને વર્ષઃ ૨૦૧૮-૧૯ અને વર્ષ ૨૦૧૯-૨૦ ના કામો ૩૧મી જુલાઈ સુધીમાં પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી. ભાવનગરના જિલ્લા આયોજનની આ બેઠકમાં તાલુકા પંચાયત સ્તરે અને નગરપાલિકા કક્ષાએ આયોજનમાં લેવાયેલા કામોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ભાવનગરપાલિકાના મેયર શ્રીમતી કીર્તિબાળાબેન દાણીધરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ધારાસભ્ય સર્વ જીતુભાઇ વાઘાણી, કનુભાઇ બારૈયા, કેશુભાઇ નાકરાણી, આર.સી. મકવાણા, તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપાલિકાના પ્રુમુખો, મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, કલેક્ટર યોગેશ નીરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment