વાહનોની લે-વેચ કે ભાડે આપનાર વેપારીઓએ ગ્રાહકો પાસેથી પુરતા પુરાવા લેવા પડશે

હિન્દ ન્યૂઝ, નડિયાદ

છેલ્‍લા કેટલાંક સમયથી આતંકવાદી ભાંગફોડીયા તત્‍વો દેશના અલગ-અલગ રાજયોમા આતંક ફેલાવવાના હેતુથી રજિસ્‍ટર્ડ ન થતા હોય તેવા સાયકલ-મોપેડ-વિદ્યુતથી ચાલતા વાહનોનો ઉપયોગ કરતા હોવાનું જણાય છે. આતંકિત કૃત્‍યમાં આવા વાહનોનો ઉપયોગ થયા બાદ આવા વાહનોની કોઇ સ્‍પષ્‍ટ નોંધણી ન હોવાના કારણે તેના મૂળ માલિક સુધી પહોંચવાનું તપાસ એજન્‍સીઓ/પોલીસ માટે ખૂબ જ મુશ્‍કેલ બનતું હોય છે. મહદઅંશે આવા વાહનોના વેચાણ વખતે જૂના વાહનોની લે-વેચ કરતી વખતે તેમજ વાહનો ભાડે આપતી વખતે વેપારીઓ ખરીદનાર/ગ્રાહક પાસેથી ઓળખના પુરતા પુરવા મેળવ્‍યા વગર વાહનોનું વેચાણ કરતા હોય છે, લે-વેચ કરતાં હોય છે કે ભાડે આપતા હોય છે. મોટા શહેરોમાં બનેલ અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી/અસામાજીક તત્‍વો આવા રજીસ્‍ટર્ડ ન થતા હોય તેવા સાયકલ/મોપેડ/વિદ્યુતથી ચાલતા વાહનો ખરીદી કે ભાડે મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે તેમજ માનવ જીંદગીની ખુવારી થાય અને લોકોની સંપત્‍તિને નુકશાન પહોંચે તેવી કોશીષ કરી રહયા છે.
બહારના રાજયોમાંથી અગર દેશ બહારથી આવતા આવા તત્‍વો રજીસ્‍ટર્ડ ન થતા હોય તેવા સાયકલ/મોપેડ/વિદ્યુતથી ચાલતા વાહનો ખરીદી/ભાડેથી મેળવી સ્‍થાનિક પરિસ્‍થિતિથી માહિતગાર થઇને તેઓની ત્રાસવાદી પ્રવૃતિઓને અંજામ આપતા હોય છે.
ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ સાયકલ/મોપેડ/વિદ્યુતથી ચાલતા વાહનોનું વેચાણ કરનાર, આવા જૂના વાહનોની લે-વેચ કરનાર તથા આવા વાહનો ભાડે આપનાર વેપારીઓ ઉપર નિયંત્રણો મૂકવા જરુરી જણાતાં સમગ્ર ખેડા જિલ્‍લામાં જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ રમેશ મેરજા, ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ અન્‍વયે મળેલ સત્‍તાની રૂઇએ તાત્‍કાલિક અસરથી અમલમાં આવે તે રીતે તા.૦૭-૦૬-૨૦૨૧થી તા.૦૬-૦૮-૨૦૨૧ (બંને દિવસો સુધ્‍ધાંત) સમગ્ર ખેડા જિલ્‍લાનાં વિસ્‍તારમાં રજિસ્‍ટર્ડ ન થતા હોય તેવા સાયકલ/મોપેડ/વિદ્યુતથી ચાલતા વાહનોનું વેચાણ કરનાર, આવા જૂના વાહનોની લે-વેચ કરનાર તથા આવા વાહનો ભાડે આપનાર વેપારીઓ, જયારે-જયારે આવા નવા વાહનોનું વેચાણ કરે, આવા જૂના વાહનોની લે-વેચ કરે કે આવા વાહનો ભાડે આપે ત્‍યારે જે તે વ્‍યકિતને આવું વાહન વેચાણ કરેલ હોય, આવું વાહન ખરીદેલ હોય અથવા તો જે વ્‍યકિતને ભાડે આપેલ હોય તેવી વ્‍યકિત પાસેથી જરૂરી માહિતી/આધાર-પુરાવા મેળવીને નીચે દર્શાવ્‍યા પ્રમાણે રજિસ્‍ટરની નિભાવણી કરીને તેમજ જરૂર જણાયે જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ, પોલીસ અધિક્ષક, અધિક જીલ્‍લા મેજીસ્‍ટ્રેટ, સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટ, એકઝીકયુટીવ મેજિસ્‍ટ્રેટ કે તેમના તાબાના અધિકારી માંગે ત્‍યારે તેઓને અવશ્‍ય આપવાનો આ જાહેરનામા દ્વારા હુકમ જારી કર્યા છે.
તદ્અનુસાર સાયકલ/મોપેડ/વિદ્યુતથી ચાલતા વાહનોનું વેચાણ કરનાર, લે-વેચ કરનાર તથા ભાડે આપનાર વેપારીઓએ રજિસ્‍ટરની અવશ્‍યપણે નિભાવણી કરવાની છે. આ રજિસ્‍ટરમાં સૌ પ્રથમ અનુક્રમ નંબર, વાહન કોને વેચેલ છે/કોની પાસેથી ખરીદેલ છે/કોને ભાડે આપેલ છે તેનું પુરૂં નામ અને સરનામુ, ટેલિફોન નંબર/મોબાઇલ નંબર, ઉંમર, વાહનનો પ્રકાર, એન્‍જિન નંબર/ચેસિસ નંબર, રજુ કરેલ આધાર પુરાવા જેવાં કે રેશનકાર્ડ/ચૂંટણી કાર્ડ/ડ્રાઇવીંગ લાયસન્‍સ/બેન્‍કની પાસબુક/પાન કાર્ડ/આકારણી પત્રક/પાસપોર્ટની નકલ/ઇલેકટ્રીક બીલ/ટેલિફોન બીલ/મોબાઇલ બીલ વિગેરે (ખરીદનાર પાસેથી તેમની સહીથી પ્રમાણિત થયેલ ઝેરોક્ષ નકલ મેળવીને ફાઇલ રાખવી) તેમજ વેચાણ બીલ નંબર અને તારીખની નોંધણી કરવાની રહેશે.
આ હુકમ તા.૦૭-૦૬-૨૦૨૧ થી તા.૦૬-૦૮-૨૦૨૧ સુધી (બન્‍ને દિવસો સુધ્‍ધાંત) આ હુકમનો ભંગ કરનાર વ્‍યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ શિક્ષાને પાત્ર થશે તેના ભંગ બદલ પણ કાર્યવાહીને પાત્ર ઠરશે.

રિપોર્ટર :- પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment