ખેડા જિલ્લામાં જૂના મોબાઇલ ખરીદ/વેચાણ કરતા વેપારીઓએ રજીસ્‍ટર ફરજીયાત નિભાવવાનું રહેશે

હિન્દ ન્યૂઝ, નડિયાદ 

   આજે મોબાઇલ ફોનનો ઉપયોગ છેવાડાના માનવી સુધી સામાન્‍ય બની ગયો છે. દેશમાં તથા રાજયમાં બનતાં ગુનાઓને આખરી અંજામ આપવા અસામાજીક અને દેશવિરોધી તત્‍વો મોબાઇલનો ઉપયોગ કરતાં હોય છે તથા તાજેતરમાં મોબાઇલ ચોરીના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે. આવા ગુનાઓના મૂળ સુધી પહોંચવા તથા ચોરાયેલ મોબાઇલ ફોન પરત મેળવવા માટે મોબાઇલ ફોનના આઇ.એમ.ઇ.આઇ. નંબરનું ટ્રેકીંગ કરી ગુનાના મૂળ સુધી પહોંચવામાં મદદરૂપ થઇ શકાય છે. ઘણા કિસ્‍સામાં મોબાઇલ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવ્‍યા બાદ જણાય છે કે તે વ્‍યકિતએ કોઇ અજાણ્‍યા ઇસમ પાસેથી ફોન લીધેલ છે. આમ ચોકકસ માહિતીના અભાવે ગુનાના મૂળ સુધી પહોંચવામાં તકલીફ થાય છે.
વધુમાં મોબાઇલ ફોનના સીમકાર્ડનું વેચાણ ડિસ્‍ટ્રીબ્‍યુટરો/રીટેઇલરો/વિક્રતાઓ મારફતે થતું હોય છે. તેઓ દ્વારા મોબાઇલ ફોનના સીમકાર્ડ ખરીદનારના માન્‍ય ઓળખકાર્ડ, રહેઠાણના પુરાવા મેળવ્‍યા સિવાય સીમકાર્ડનું વેચાણ કરવામાં આવે છે. જેથી મોબાઇલ ફોનના સીમકાર્ડ વેચનાર તમામ ડિસ્‍ટ્રીબ્‍યુટરો અને રીટેઇલ વિક્રતાઓ દ્વારા મોબાઇલ ફોનના સીમકાર્ડ વેચાણ કરતી વખતે ખરીદનારનું માન્‍ય ઓળખકાર્ડ તથા રહેઠાણના પુરાવા દસ્‍તાવેજોની ખાત્રી ખરાઇ કર્યા બાદ તથા તેવા પુરાવાની પ્રમાણીત નકલો મેળવ્‍યા બાદ વેચાણ કરવામાં આવે તે જરૂરી છે. રમેશ મેરજા, જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, ખેડા જિલ્‍લા, નડિયાદએ તેમને મળેલી સત્‍તાની રૂએ હુકમ કરેલ છે કે, સમગ્ર ખેડા જિલ્‍લાના વિસ્‍તારમાં આવેલ જૂના/નવા મોબાઇલ ફોનના ખરીદ/વેચાણ કરનાર દુકાનદાર, ખરીદ/વેચાણ કરેલ મોબાઇલ ફોનની વિગતો રજીસ્‍ટ્રરમાં નોંધે અને નિયમીત રીતે વ્‍યવસ્‍થિત ધોરણે નિભાવે તથા વિગતોની આપ-લે સક્ષમ સત્‍તાવાળાઓને પહોચાડે, રજીસ્‍ટ્રરમાં મોબાઇલ/સીમકાર્ડની વિગત/કંપની, ઇએમઇઆઇ નંબર, મોબાઇલ વેચનાર/ખરીદનારનું નામ અને સરનામું, આઇ.ડી.પ્રુફ ની વિગતો કયા મોબાઇલ માટે સીમકાર્ડ ખરીદેલ છે તે મોબાઇલનો નંબર વગેરે ખાસ નોંધવાનું રહેશે.
આ હુકમ તા.૦૭-૦૬-૨૦૨૧ થી તા.૦૬-૦૮-૨૦૨૧ સુધી (બન્‍ને દિવસો સુધ્‍ધાંત) અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્‍યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ શિક્ષાને પાત્ર થશે તેના ભંગ બદલ પણ કાર્યવાહી ને પાત્ર ઠરશે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment