સસ્તા અનાજ વિતરણ કેન્દ્રના સંચાલકની ગેરરીતિ બાબતે

હિન્દ ન્યૂઝ, ડભોઈ

“ડભોઇ તાલુકાના વણાદરાના ગ્રામજનો દ્વારા મામલતદાર (પૂરવઠા)ને સંબોધતુ આવેદનપત્ર સુપ્રત”

     ડભોઇ તાલુકાના વણાદરા ગામના પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર (રેશનીંગ વિતરણ કેન્દ્ર) ના સંચાલક દ્વારા ગામના લાભાર્થી કુટુંબોને પૂરતા પ્રમાણમાં મળવાં પાત્ર અનાજ સહિતની ચીજવસ્તુઓ મળતી ન હોવા બાબતે અને આ વિતરણ કેન્દ્રના સંચાલકની અનીયમિતતા બાબતે ગંભીર આક્ષેપો કરતું આવેદનપત્ર ગ્રામજનો દ્વારા ડભોઇ સેવાસદન ખાતે ઉપસ્થિત કર્મચારીને આજરોજ સુપ્રત કરવામાં આવ્યું હતું.
      ડભોઇ તાલુકાના વણાદરા ગામના ગ્રામજનો દ્વારા આજરોજ ડભોઇના મામલતદાર (પૂરવઠા)ને સંબોધતું આવેદનપત્ર ઉપસ્થિત કર્મચારીને સુપ્રત કર્યું હતું. જેમાં ગામ લોકોએ ગંભીર આક્ષેપો કર્યા છે કે વણાદરા ગામના પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સંચાલક જયસ્વાલ પ્રવીણભાઈ ગણપતભાઈ દ્વારા ગ્રામજનોને પૂરતા પ્રમાણમાં સરકાર દ્વારા ફાળવેલો મળવાપાત્ર અનાજનો જથ્થો આપવામાં આવતો નથી અને આ ગ્રાહક ભંડાર નિયમિત રીતે ખોલવામાં આવતું નથી સંચાલક દ્વારા ખૂબ જ અનિયમિતતા દાખવવામાં આવે છે. જ્યારે ગ્રામજનો અનાજનો જથ્થો લેવા જાય છે ત્યારે અનાજનો જથ્થો એક વાર આપવામાં આવે છે પરંતુ તેની રેશનકાર્ડ માં બે વખત એન્ટ્રી કરી દેવામાં આવે છે. ગ્રામજનોએ આ બાબતે સંચાલકને ફરિયાદ કરી હતી તો સંચાલકે જણાવ્યું હતું કે જો આવી બધી ફરિયાદો કરશો તો તમારા રેશન કાર્ડ બંધ કરાવી દઈશ. જેથી ગ્રામજનોમાં સદર સંચાલક વિરૂદ્ધ ભયંકર આક્રોશ છે.
    હાલની મીની લોકડાઉન જેવી પરિસ્થિતિ અને કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ગરીબ વર્ગના કુટુંબની આવક બંધ થઈ ગયા જેવી છે જેથી આ કુટુંબોને સહાયરૂપ થવા માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોને નિ:શુલ્ક રીતે અનાજ વિતરણ કરવાની વ્યવસ્થા કરી છે જેથી ગરીબ કુટુંબોને પોતાનું ઘર ચલાવવામાં મુશ્કેલી ઊભી થાય નહીં સરકારનો આશય ગરીબ કુટુંબોને મદદરૂપ થવાનો છે અને જેથી સરકાર દ્વારા આ ગરીબ કુટુંબોને નિયત કરેલ માત્રામાં અનાજનો જથ્થો મળી રહે તે માટે પૂરતાં પ્રમાણમાં અનાજનો જથ્થો વિતરણ કેન્દ્રો ઉપર મોકલી આપે છે છતાં પણ આવા માથાભારે સંચાલકો ગેરરીતિ આચરી રહ્યા છે તે તદ્દન અન્યાયી અને ઘણું ખોટું છે જેના કારણે ગ્રામજનોએ આજરોજ ડભોઇ સેવા સદન ખાતે પહોંચી મામલતદાર (પૂરવઠા)ને સંબોધન કરતું આવેદનપત્ર ઉપસ્થિત કર્મચારીને આપી પોતાની વેદના- વ્યથા રજૂ કરી હતી અને આવા સંચાલકો વિરુદ્ધ સખત પગલાં લેવા માટે માગણી કરી છે જાણવા મળતી હકીકત મુજબ સદર સંચાલક સામે થોડા સમય પૂર્વે જ આ વિતરણ કેન્દ્રની અનિયમિતતા બાબતે પગલા લેવામાં આવ્યા હતા અને આ વિતરણ કેન્દ્ર ની પરમીટ થોડા સમય માટે રદ કરવામાં આવી હતી .પરંતુ જેવું આ વિતરણ કેન્દ્ર પુનઃ શરૂ થયું કે તરત જ સંચાલકે પોતાની મનમાની આરંભી દીધી છે .જેથી ગ્રામજનોની માગણી છે કે સદર સંચાલક સામે સખતમાં સખત કાયદાકીય પગલા લેવા જોઇએ.

રિપોર્ટર : જબીઉલ્લા શેખ, ડભોઈ

Related posts

Leave a Comment