નડિયાદમાં દાંડી સ્મૃતિ પદયાત્રાનું  દેશભક્તિના અનોખા માહોલ વચ્ચે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું સ્વાગત

હિન્દ ન્યૂઝ, નડિયાદ

         દેશની આઝાદીના ૭૫ વર્ષ આગામી વર્ષ ૨૦૨૨ માં પૂર્ણ થનાર છે. દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિતે તા.૧રમી માર્ચ-ર૦ર૧ થી દેશભરમાં રાષ્ટ્રિય ચેતના- રાષ્ટ્રભાવ- સ્વતંત્રતાનો  ઇતિહાસ ઉજાગર કરતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગાંધી આશ્રમ સાબરમતીથી આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણીનો દાંડી સ્મૃતિ યાત્રાને પ્રસ્થાન કરાવી રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો.સાબરમતી આશ્રમ અમદાવાદ થી નીકળેલી દાંડીયાત્રા આજે ચોથા દિવસે સ્વતંત્રતા સંગ્રામના અગ્રીમ કેન્દ્રબિંદુ રહેલા અને દેશની એકતા અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબના જન્મ સ્થળ નડિયાદ ખાતે આવી પહોંચતા સરદાર પટેલ ભવન ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરીને ગાંધી વંદના સાથે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ દાંડી પદયાત્રીઓનું વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું. સાથે સાથે નગરજનોએ પણ આ પર્વમાં ભાગ લઇ પદયાત્રીઓનું ફુલ-ગુલાબની પાંદડીઓથી અભિવાદન કરી યાત્રીઓનો ઉત્‍સાહ વધાર્યો હતો અને સૌએ ભાવપૂર્વક આવકાર્યા હતા.

         મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરદાર પટેલ ભવનથી સંતરામ મંદિર સુધી આ દાંડીકૂચમાં કેન્દ્રિય પ્રવાસન રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, ગુજરાત વિધાનસભાના દંડક પંકજભાઈ દેસાઈ, જિલ્‍લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, ધારાસભ્યઓ, સ્વૈચ્છીક સેવાભાવી સંસ્થાઓના આગેવાનો, પદાધિકારીઓ, સંતો, મહંતો અને નાગરિકો સાથે સહભાગી થયા હતા. ૯૧ વર્ષ અગાઉ ગાંધીજીની આગેવાની હેઠળ બરોબર આજ દિવસે  નડિયાદમાં દાંડીયાત્રાનું આગમન થયું હતું. નડિયાદના માર્ગો પર ૧૯૩૦ માં ગાંધીજીની આગેવાની હેઠળ નીકળેલી દાંડીયાત્રાની યાદો ચિરંજીવ થઈ હતી અને સમગ્ર નડિયાદ શહેર દેશ ભક્તિના રંગે રંગાયું હોય એવો માહોલ ઉભો થયો હતો.

            આ ઐતિહાસિક દાંડીયાત્રાની સ્મૃતિમાં ૮૧ પદયાત્રીઓ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રામાં સહભાગી થયા છે એટલું જ નહિ યાત્રાનું ઠેર ઠેર નાગરિકો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ દાંડીયાત્રાના માર્ગના ર૧ સ્થળોએ પદયાત્રાના રાત્રિ રોકાણ દરમ્યાન રાષ્ટ્ર ભાવનાસભર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ સાથે સ્વચ્છતા અભિયાન- પર્યાવરણ રક્ષા-જળસંચય જેવા સામાજિક પરિવર્તનના વિષયો પ્રત્યે પણ જનચેતના જગાવવામાં આવી રહી છે.

             આ યાત્રાના  માધ્યમથી ૧૮પ૭ થી લઇને આઝાદી સંગ્રામ સુધીની ગાથા-ઇતિહાસ નવી પેઢી સમક્ષ ઊજાગર કરવા સાથે દેશની આઝાદી માટે-સ્વતંત્રતા માટે કુરબાની આપનારા વીરો-દેશની પ્રગતિ માટે યોગદાન આપનારા લોકોની સ્મૃતિ ચિરંજીવ રાખી આગળ ધપાવવામાં આવી રહી છે.

            અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી તા.૧રમી માર્ચે ૧૯૩૦ના યોજેલી દાંડીયાત્રાની સ્મૃતિને વર્તમાન સમયમાં ઊજાગર કરતાં ૮૧ પદયાત્રીઓની સાબરમતી આશ્રમથી દાંડી સુધીની ૩૮૬ કિ.મી. સુધી દાંડીયાત્રામાં જોડાયા છે. તદઅનુસાર, ૧૮પ૭ના સ્વાતંત્ર્ય સંગ્રામથી માંડીને આઝાદી મેળવવા સુધીના સંગ્રામની ગાથા નવી પેઢી સમક્ષ ઊજાગર કરવામાં આવશે. એટલું જ નહિ, દેશની આઝાદી માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય વીરો સાથોસાથ રાષ્ટ્રની પ્રગતિ-વિકાસમાં યોગદાન આપનારા વ્યક્તિત્વોના વારસાને તેમની સ્મૃતિ સાથે આગળ ધપાવવામાં આવશે. 

             આ યાત્રાનું સમાપન તા.પ મી એપ્રિલે દાંડી ખાતે કરવામાં આવશે. આઝાદી ના અમૃત મહોત્સવની આ ઉજવણી પૂર્ણ થતાં સુધીના દરેક કાર્યક્રમોમાં યુવાઓ, બાળકો, સહિત જન-જન ઉત્સાહપૂર્વક જોડાય તે માટે વિવિધ સ્પર્ધાઓ, સાયકલ રેલી, બાઇક રેલી એક ભારત શ્રેષ્ઠભારત અને આત્મનિર્ભર ભારતની થીમ સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment