મોડાસા ખાતે “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી કરાઇ

હિન્દ ન્યૂઝ, મોડાસા

            અરવલ્લી જિલ્લાના મોડાસાના નગરપાલિકાના ટાઉનહૉલ ખાતે જિલ્લા બાળ વિકાસ કચેરી અને જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ કચેરીના સંયુકત ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી ગાયત્રીબેન પટેલ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી સ્મિતાબેન પટેલની ઉપસ્થિતિમાં “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉજવણી કરાઈ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી નિમિત્તે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી ગાયત્રીબેન પટેલ મહિલાઓને સંબોધતા જણાવ્યું કે, આજનો દિવસ મહિલાઓ માટે ખાસ છે, આજના દિવસે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીઓ કરાઇ રહી છે. મહિલાઓ માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેવી કે પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, “સખી” વન સ્ટોપ સેન્ટર, ૧૮૧-મહિલા હેલ્પલાઈન, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, વ્હાલી દીકરી યોજના જેનો મહિલાઓ ઉપયોગ કરતી નથી. આ યોજનાઓ મહિલાઓ માટે જ છે તો તેનો ઉપયોગ કરો.

            તેમણે વધુમાં જણાવ્યું કે, છોકરીઓમાં હીમોગ્લોબિન ઘટે નહીં તે માટે શાળાઓમાં તેના માટે પણ યોજનાઓ અમલમાં મૂકી છે. મહિલાઓ પોતાની ફરજો ખૂબ જ સરસ રીતે નિભાવે છે. મહિલાઓએ મજબૂત બનીને ફરજો નિભાવવાની છે. મહિલાઓએ શારીરિક રીતે તંદુરસ્ત અને આર્થિક રીતે સશક્ત થવું જરૂરી છે. આર્થિક રીતે મજબૂત બનવું હશે તો શિક્ષણ ફરજીયાત લેવું પડશે. તેમણે બ્યુટીપાર્લર, ગૃહઉધ્યોગ, સીવણકામ વગેરે જેવા કામો ઘરે બેઠા કરીને આર્થિક રીતે સક્ષમ બનવા અનુરોધ કર્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી સ્મિતાબેન પટેલે જણાવ્યું કે, મહિલાઓમાં અનેક પ્રકારની શક્તિઓ રહેલી છે. સ્ત્રી દરેક પરિસ્થિતિમાં પોતાને અનુકૂલતા સાધતી હોય છે. દીકરો એ બે કુળની તારક છે. દીકરી ત્રણ ઘરને તારે છે. માટે જ “બેટી બચાઓ, બેટી પઢાઓ” અભિયાન થકી દિકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ વધાર્યું છે.

                     મોડાસા લો કોલેજના પ્રોફેસર ડૉ.અશોક શ્રોફ એ જણાવ્યું કે, આઝાદી પહેલા મહિલાઓમાં જાગૃતતા જોવા નહોતી મળતી પરંતુ આઝાદી બાદ પરિસ્થિતિ પ્રમાણે મહિલાઓમાં જાગૃતતા આવી. ભારતના બંધારણમાં મહિલાઓ માટે ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ અને જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩ ના કાયદાઓ સરકારે અમલમાં મૂક્યા છે. માટે જ મહિલાઓએ જાતીય સતામણી કે ઘરેલુ હિંસા સામે અવાજ ઉઠાવો જોઈએ. તેમણે રાજસ્થાનના ભંવરી દેવી કેસનો પણ ઉલ્લેખ કરીને મહિલાઓની સશક્તિકરણ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

             આ પ્રસંગે ડૉ. ઉષાબેન, અગમ ફાઉન્ડેશન-ચેરપર્સન હેતલબેન પંડયા, ૧૮૧ અભયમાં હેલ્પલાઈનના ચેતનાબેન ચૌધરી, આઈ.સી.ડી.એસ. કચેરી અરવલ્લી અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ તથા કોરોના વોરિયર્સ મહીલાઓ, સહિત નગરની મહીલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થતિ રહી હતી.

રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment