હિન્દ ન્યુઝ, આહવા
ભારતના અખંડ શિલ્પી, રાષ્ટ્રની એકતા અને અસ્મિતાના અદ્વિતીય પ્રતિક એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી ગૌરવવંતી જન્મજ્યંતી નિમિત્તે આજે ડાંગ જિલ્લાના મુખ્ય મથક પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે “રાષ્ટ્રીય એકતા દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ , મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન વ ડાંગના પ્રભારી મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશભાઇ ગામીત, પ્રભારી સચિવ એમ.આઇ.પટેલ, જિલ્લા કલેક્ટર એન.ડી.પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે પ્રભારી મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ સમગ્ર રાષ્ટ્ર માટે એકતા અને ગૌરવનો અવસર છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ થકી સરદાર સાહેબનું વિરાટ વ્યક્તિત્વ આજે આખી દુનિયામાં ભારતની એકતા અને અખંડિતતાનો સંદેશ પહોંચાડી રહ્યું છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ડાંગ જિલ્લાના આહવા સહિત ૩૧૧ ગામોમાં યોજાયેલી ‘રન ફોર યુનિટી’ થકી છેવાડાના નાગરિકોમાં પણ રાષ્ટ્રભાવના વધુ સુદૃઢ બની છે. આપણો આદિવાસી સમાજ પોતાની ભૌગોલિક ઓળખ અને પ્રાકૃતિક વારસાને અકબંધ રાખીને વનબંધુ કલ્યાણ યોજનાના બળે ગુજરાતની વિકાસયાત્રાને બમણી ગતિ આપી રહ્યો છે. એકતાનગર ખાતે યોજાયેલ ‘ભારત પર્વ’ અને ભવ્ય ‘એકતા પરેડ’ દેશની સુરક્ષા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતાને સાચા અર્થમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સૂત્રમાં પરોવે છે.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં ડાંગના પ્રભારી મંત્રી ડો.જયરામભાઇ ગામીત, જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશભાઇ ગામીત, ભાજપા પાર્ટી પ્રમુખ સુરેશભાઈ ચૌધરી સહિત ડાંગ જિલ્લા પ્રભારી સચિવ એમ.આઇ.પટેલ, જિલ્લા કલેક્ટર એન.ડી.પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી પૂજા યાદવ, નાયબ વન સંરક્ષક (ઉત્તર) મુરારીલાલ મીણા, નાયબ વન સંરક્ષક (દક્ષિણ) નીરજકુમાર સહિત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એસ. ડી. તબીયાર, પ્રાયોજના વહીવટદાર ડૉ. મયુર પરમાર,નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ તેમજ સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ,નગરજનો જોડાયા હતા.
