સરદાર પટેલની 151મી જન્મજયંતિએ વાપીમાં રાષ્ટ્રીય એકતા પર્વની ભવ્ય ઉજવણી, મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાઈ ‘રન ફોર યુનિટી

હિન્દ ન્યુઝ, વલસાડ

   દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તેમજ ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મ જયંતિ નિમિત્તે વાપી મહાનગરપાલિકા દ્વારા રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈની ગરિમામય ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પર્વની ઉજવણી નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરાયું હતું.
રન ફોર યુનિટીમાં મંત્રી કનુભાઈ દેસાઈની સાથે જિલ્લાના પ્રભારી સચિવ રૈમ્યા મોહન, જિલ્લા કલેકટર નીતિન સાંગવાન, વાપી મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ, વાપી મનપાના કમિશનર એન.એફ.ચૌધરી, વાપી શહેર સંગઠન પ્રમુખ મનિષ દેસાઈ સહિત નગરજનો પણ ઉત્સાહભેર જોડાયા હતા.
આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, આજે સમગ્ર દેશની નજર એકતા નગર પર છે. આજે આપણા સૌ માટે ગર્વનો દિવસ છે. સરદાર વલ્લભભાઈ પટેલે સમગ્ર રજવાડાને એક કરી દેશના સુદઢ વહીવટી તંત્ર માટે સનદી અધિકારીની રચના કરી વિકાસનો પાયો નાખ્યો હતો. આજે ભારત અખંડ ભારત બન્યું છે. આજે ભારત તેજ ગતિથી વિકાસની રાહ પર દોડી રહ્યું છે ત્યારે વર્ષ 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે.
વાપીના ચલા દમણ રોડ પર અજિતનગર પ્લે ગ્રાઉન્ડ ખાતે વાપી મહાનગરપાલિકા અને ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા આયોજિત સ્વદેશી મેળાની મંત્રી કનુભાઈએ મુલાકાત લીધી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત ભવ્ય એકતા પરેડનું જીવંત પ્રસારણ વાપી ખાતે મંત્રી કનુભાઈ સહિત સૌ નગરજનોએ નિહાળ્યું હતું.
વાપી મનપા દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાના સંકલ્પ સાથે તમામ 13 વોર્ડમાં વોર્ડ વાઇઝ નિર્ધારિત સ્થળોએ એલ.ઇ.ડી. સ્ક્રીન પર એકતા પરેડ વાપીવાસીઓ નિહાળી શકે તેવું આયોજન કરાયું હતું, જેને મોટી સંખ્યામાં સૌએ ઉત્સુકતાપૂર્વક નિહાળી એકતાના ભાવથી પ્રેરિત થયા હતા.

Related posts

Leave a Comment