હિન્દ ન્યુઝ, સુખસર
આદિવાસી સમાજના હક્ક, અધિકાર,બંધારણીય મૂલ્યો અને ન્યાયની બુલંદ માંગ સાથે નીકળેલી ‘આદિવાસી ન્યાય યાત્રા’ આજે સુખસર ખાતે આવી પહોંચતાં સ્થાનિક નાગરિકો અને કાર્યકરો દ્વારા તેનું ઉત્સાહભેર અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં યોજાયેલી આ યાત્રાનું નેતૃત્વ તેમના ધર્મપત્ની શ્રીમતી વર્ષાબેન વસાવા તથા શ્રીમતી શકુંતલાબેન વસાવા કરી રહ્યા છે. આ યાત્રામાં છોટાઉદેપુરથી રાધિકાબેન રાઠવા,નિરંજન વસાવા, રાજુભાઈ વળવાઈ તેમજ જીગીશાબેન પારગી સહિતના સામાજિક અને રાજકીય આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
દક્ષિણ ગુજરાતના ઉમરગામથી શરૂ થયેલી આ ન્યાય યાત્રા ઉત્તર ગુજરાતના યાત્રાધામ અંબાજી ખાતે પૂર્ણ થશે.યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ન્યાય અપાવવાનો તથા આદિવાસી સમાજના જમીન,જંગલ,જળ અને બંધારણીય અધિકારોના પ્રશ્નોને જન-જન સુધી પહોંચાડીને તેને વાચા આપવાનો છે.

આ યાત્રાની મુખ્ય વિશેષતા એ રહી કે તેમાં માત્ર આદિવાસી સમાજ જ નહીં,પરંતુ ઓ.બી.સી. (OBC) સમાજ, એસ.સી. (SC) સમાજ,મુસ્લિમ સમાજ તેમજ અન્ય તમામ સર્વ સમાજના લોકોએ પણ મોટી સંખ્યામાં જોડાઈને ન્યાયની આ લડાઈને પૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું.
સુખસર ખાતે યાત્રાના આગમન બાદ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા આદિવાસી ક્રાંતિના પ્રતીક એવા પૂજ્ય ગોવિંદ ગુરુની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સમગ્ર સુખસર વિસ્તારમાં યાત્રાને પગલે ભારે ઉત્સાહ અને સામાજિક સમરસતાનો માહોલ જોવા મળ્યો હતો.
રિપોર્ટર : સાગર પ્રજાપતિ, દાહોદ
