હિન્દ ન્યુઝ, સુરત
સુરત જિલ્લાના માંડવી ખાતે જિ.પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી અને સાંસદ પ્રભુભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં કિસાન સન્માન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનપત્ર તેમજ પેમેન્ટ હુકમપત્રો એનાયત કરવામાં આવ્યા હતાં.
જિ.પં. પ્રમુખ સમીરભાઈ મોદીએ જણાવ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થામાં ખેડૂતોનું યોગદાન અતિ મહત્વપૂર્ણ છે. ખેડૂતો દિવસ-રાત મહેનત કરીને સમગ્ર દેશનું પેટ ભરે છે. ગામડા અને ખેડૂત સમૃદ્ધ બનશે તો જ દેશનો સર્વાંગી વિકાસ થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના સક્ષમ નેતૃત્વ હેઠળ ખેડૂતોની આવક વધારવા, ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધારવા અને જરૂરી આર્થિક સહાય પૂરી પાડવા માટે ‘પીએમ કિસાન સન્માન નિધિ’ જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી છે. કિસાન સન્માન હેઠળ દર વર્ષે મળતી રૂ. ૬,૦૦૦ ની સીધી આર્થિક સહાયથી ખેડૂતોને બીજ, ખાતર અને ખેતીના અન્ય જરૂરી ખર્ચમાં મોટી રાહત મળી રહે છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, સરકારની યોજનાઓનો મહત્તમ લાભ મેળવવા માટે ખેડૂતોએ આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો અને ઈ-કેવાયસી જેવી જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી તેમજ માત્ર અધિકૃત માધ્યમો દ્વારા જ સાચી માહિતી મેળવવી જોઈએ. સાથોસાથ, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરી ટપક સિંચાઈ, જમીનની ગુણવત્તા જાળવણી અને પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરી હતી. નવયુવાનો પણ નવીન વિચારો અને ટેકનોલોજીના સમન્વયથી ખેતીમાં પદાર્પણ કરે અને ખેતીને વધુ નફાકારક બનાવે તે સમયની માંગ છે.
સુરત જિલ્લાના ૧,૧૬,૦૦૦ જેટલા ખેડૂત લાભાર્થીઓના બેંક ખાતામાં કુલ રૂ.૨૩ કરોડ ૩૭ લાખ જેટલી માતબર રકમ સીધી જમા થવા જઈ છે, જે જિલ્લાના કૃષિ ક્ષેત્રને નવી ઊર્જા આપશે એમ શ્રી મોદીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી ‘પીએમ કિસાન સન્માન નિધિ’ યોજના દેશના અન્નદાતાઓ માટે એક ઐતિહાસિક અને વિશ્વની સૌથી મોટી કલ્યાણકારી પહેલ છે. આજે કોઈ પણ વચેટિયા વિના પારદર્શક ડિજિટલ પેમેન્ટ સિસ્ટમથી એક પણ રૂપિયાની કપાત વગર સીધા ખેડૂતોના ખાતામાં નાણાં જમા થઈ રહ્યા છે.
વધુમાં સાંસદે કહ્યું કે, આજે દેશભરમાં કરોડો ખેડૂતોને રૂ. ૧૮,૬૯૦ કરોડથી વધુની રકમ મળી છે, જેમાં આપણા ગુજરાતના ૫૨ લાખ ખેડૂતોને રૂ.૧,૦૦૦ કરોડથી વધુ રકમ એનાયત કરાઈ છે. આ આર્થિક સહાયની સાથે-સાથે આપણે સૌએ રાસાયણિક ખાતરો અને દવાઓને તિલાંજલિ આપીને વ્યાપકપણે ‘પ્રાકૃતિક ખેતી’ અપનાવીને ધરતીપુત્રોની સમૃદ્ધિ અને લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરવા સૌને અનુરોધ કર્યો હતો.
ઉપસ્થિત તમામ મહાનુભાવો અને ખેડૂતોએ બનાસકાંઠાના ભીલડીથી વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય કુંવરજીભાઇ હળપતિ, જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્રપ્રકાશ મીના, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ. બી. ગામીત, નગરપાલિકા પાલિકા પ્રમુખ અમીષાબેન, મહામંત્રી રોહિત પટેલ, જગદીશભાઈ પારેખ, તા.પં. પ્રમુખ, પ્રાંત અધિકારી, મામલતદાર, TDO, જિ. પં. સભ્યો, લાભાર્થી ખેડૂતો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
