અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે સરકારી વિજ્ઞાન કોલેજ નિર્માણ પામશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

   ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ ઘર આંગણે પૂરું પાડવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ કદમ ભરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના મોટી દુમાલી ગામે એની નદીના કિનારે રૂ. ૨૯ કરોડના જંગી ખર્ચે નિર્માણ થનાર સરકારી વિજ્ઞાન કોલેજ (Government Science College) નું જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 

જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે દૂર-દૂરના શહેરોમાં જવું પડતું હતું. લાંબા અંતરને કારણે અનેક વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ માટે ભારે હાલાકીનો સામનો કરતા હતા. હવે પોતાના જ વિસ્તારમાં આધુનિક સુવિધાસભર સરકારી વિજ્ઞાન કોલેજ ઉપલબ્ધ થવાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મોટી સરળતા રહેશે.

મોટી દુમાલી અને આસપાસના ગ્રામીણ વિસ્તારોના યુવાનો હવે પોતાના જ વિસ્તારમાં રહીને વિજ્ઞાન પ્રવાહમાં સ્નાતક સુધીનો અભ્યાસ કરી શકશે. દૂરના શહેરોમાં રહીને અભ્યાસ કરવા પાછળ થતો ભારે ખર્ચ અને દૈનિક મુસાફરીનો સમય બચવાથી આર્થિક રીતે નબળા અને મધ્યમવર્ગીય પરિવારોના વિદ્યાર્થીઓ વિજ્ઞાન કોલેજ અભ્યાસ કરી શકશે.

આદિજાતિ ક્ષેત્રના યુવાનો આધુનિક ટેક્નોલોજી અને વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધીને પોતાની ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરી શકશે.

 છોટાઉદેપુર જિલ્લાના શૈક્ષણિક નકશા પર એક નવો અધ્યાય શરૂ થયો છે, જે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે પ્રગતિના નવા દ્વાર ખોલી નાખશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા લોકસભા સાંસદશ્રી જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ સાંસદ રામસિંગભાઈ રાઠવા,પૂર્વ રેલમંત્રી નારણભાઈ રાઠવા, પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment