મોરવા(હ) મામલતદાર કચેરી દ્વારા ૫૦૦થી વધુ લાભાર્થીઓને ઘરે બેઠા લાભ આપ્યા

ગોધરા,

કોરોના મહામાળીને ધ્યાનમાં રાખીને એક સાથે વધુ લોકો ભેગા ન થાય અને સંક્રમણનો ભોગ ન બને તે માટે પંચમહાલ જિલ્લાના મોરવા (હ) તાલુકાની મામલતદાર કચેરી દ્વારા એક પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. યોજનાકીય લાભો સહિતની વિવિધ સેવાઓ માટે લોકો મામલતદાર કચેરીએ ન આવે અને સંક્રમણનું જોખમ ઉભુ ન થાય તે માટે શક્ય બને એટલી સુવિધાઓ ઘરેબેઠા પૂરી પાડવાનું વિચારી એક નવીન સિસ્ટમ વિકસાવવામાં આવી છે. જે અંતર્ગત ગંગાસ્વરૂપ સહાય યોજના, વૃદ્ધ સહાય-વય વંદના યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના સહિતની વિવિધ યોજનાઓના લાભ તેમજ આ યોજનાઓના નાણા એકાઉન્ટમાં આવ્યા કે કેમ જેવી ચકાસણી ઓની માહિતી લાભાર્થીઓને ઘરે બેઠા આપવામાં આવી રહી છે. મોરવા મામલતદાર પરેશ પટેલ જણાવેલ છે કે જે-તે ગામના વી.સી.ઈ. કે મધ્યાહન ભોજન સંચાલક આ યોજનામાં સમાવવા પાત્ર થતા લાભાર્થીના ઘરે જઈ ફોર્મમાં વિગતો ભરાવી, જરૂરી દસ્તાવેજો મેળવી તલાટીના સહી-સિક્કા કરાવી મામલતદાર કચેરીએ પહોંચાડે છે. અરજી મળ્યા બાદ એક દિવસમાં હુકમ તૈયાર કરી આ માટે વિશેષરૂપથી બનાવેલ ગ્રુપમાં મૂકવામાં આવે છે. સંબંધિત ગામના વી.સી.ઈ. આ હુકમની પ્રિન્ટ કાઢી જે-તે લાભાર્થીના ઘરે જઈ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે તેનું વિતરણ કરે છે તેમજ વિતરણ થયાનો ફોટો ગ્રુપમાં મૂકે છે. લાભાર્થીના બેલેન્સ સંબંધિત કોઈ પ્રશ્નો હોય તો તેની વિગતો ચકાસી સ્ક્રિનશોટ લઈ વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં આવે છે. જે વી.સી.ઈ. લાભાર્થીને પહોંચતી કરે છે. ગ્રામજનો ખાતામાં સહાયની રકમ આવી કે કેમ સહિતની બાબતો જાણવા, સહાયના હુકમો મેળવવા, અરજી કરવા કચેરીએ આવી રહ્યા હતા. જેથી સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને ગામના વી.સી.ઈ. તેમજ એમડીએમ સંચાલકની મદદ લઈ એક વોટ્સએપ ગ્રુપ ઉભુ કરી અમુક સેવાઓ ઘરેબેઠા પહોંચતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને સમગ્ર પ્રક્રિયામાં લાભાર્થીએ ઘર બહાર જવાની જરૂર પડતી નથી.
વિધવા સહાય માટે અરજી કરનારા અગરવાડાના રાઠોડ બકુબેને જણાવ્યું હતું કે અરજી કરવા કચેરીએ જવામાં કોરોનાનો ડર લાગતો હતો પરંતુ ગામના વી.સી.ઈ. ઘરેથી કાગળિયા લઈ ગયા અને બે દિવસમાં તો સહાયનો ઓર્ડર પણ આપી દીધો.આ માટે મામલતદાર કચેરીના દરેક કર્મચારી ત્રણથી પાંચ ગામના પ્રશ્નો/અરજીઓની જવાબદારી લઈ વી.સી.ઈ. સાથે સંકલન કરી રહ્યા છે. વિધવા સહાયના કુલ ૩૧૯, વૃદ્ધ સહાયના ૧૭૫ સહિત આશરે ૫૦૦ લાભાર્થીઓ કચેરીએ ગયા વગર લાભ મેળવ્યા છે.

રિપોર્ટર : વસીમ જમસા, દાહોદ

Related posts

Leave a Comment