હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
જિલ્લા વહિવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલા સંવેદનશીલ અને પ્રેરણાદાયી “સશક્ત દીકરી – કલેક્ટર ઇન ક્લાસરૂમ” અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, કેવડીની ખાસ મુલાકાત લીધી હતી. કલેક્ટરએ વર્ગખંડમાં દીકરીઓ વચ્ચે બેસીને અત્યંત હૃદયસ્પર્શી અને પ્રોત્સાહક સંવાદ સાધ્યો હતો.
આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ જણાવ્યું હતું કે, નારી શક્તિમાં અસીમ ક્ષમતા રહેલી છે. દીકરીઓએ ક્યારેય નિષ્ફળતાથી ડરવું ન જોઈએ અને સતત મહેનત કરી પોતાના સપના સાકાર કરવા જોઈએ. અત્યંત સરળ શૈલીમાં ‘ગુડ ટચ અને બેડ ટચ’ વિશે માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, કોઈપણ અયોગ્ય અનુભવ થાય ત્યારે નિડર બની તેનો સખત પ્રતિકાર કરવો અને તુરંત જ માતા-પિતા કે શિક્ષકોને તેની જાણ કરવી.
આ ઉપરાંત દીકરીઓ સાથે તેમના ભવિષ્યના લક્ષ્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કઈ રીતે કરવી અને પરીક્ષાના ડરને કઈ રીતે માત આપવી તેના મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. સાથે વ્યક્તિગત સ્વચ્છતા, શારીરિક તંદુરસ્તી અને રોજિંદા જીવનમાં સકારાત્મક વિચારો અપનાવી દેશનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી.
કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા કલેક્ટરના હસ્તે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહનરૂપે ‘પ્લાન્ટેબલ પેન્સિલ’ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
