વર્લ્ડ હિપેટાઇટિસ ડે નિમિત્તે અર્બન હોસ્પિટલ, દાહોદ ખાતે રક્તદાન શિબિર અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ 

   વર્લ્ડ હિપેટાઇટિસ ડે નિમિત્તે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી તેમજ હેલ્થ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત ટી.આઈ.પ્રોજેક્ટ દ્વારા દિશા-ડાપકું અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્કના સહયોગથી અર્બન હોસ્પિટલ, રળિયાતી ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિર અને હિપેટાઇટિસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત,જિલ્લા ક્ષય અધિકારી (DTHO) ડૉ.આર.ડી.પહાડીયા, સંસ્થાના પ્રમુખ સંદીપભાઈ શેઠ તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર નીરેનભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત પ્રોજેક્ટ મેનેજર દ્વારા મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ડૉ.આર.ડી.પહાડીયાએ ઉપસ્થિત નર્સિંગ વિદ્યાર્થીઓ અને હાઈ રિસ્ક ગ્રુપ (HRG)ના સભ્યોને હિપેટાઇટિસના લક્ષણો, સંક્રમણના માર્ગો, સમયસર નિદાન, સારવાર તેમજ બચાવ માટેના ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે હિપેટાઇટિસ સામે જાગૃતિ અને સમયસર સારવારના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો.

રક્તદાન અંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ખજાનચી ઝવાહરભાઈ શાહ, ડૉ.ઇકબાલભાઈ લેનવાલા તથા કન્વીનર એન. કે. પરમારે સ્વૈચ્છિક રક્તદાનનું મહત્વ, તેના આરોગ્યલક્ષી અને સામાજિક ફાયદાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. સંસ્થાના પ્રમુખ સંદીપભાઈ શેઠે ખાસ કરીને યુવાનો અને નર્સિંગ વિદ્યાર્થીઓને વધુમાં વધુ રક્તદાન કરવા પ્રેરણા આપી હતી.

આયોજિત રક્તદાન શિબિરમાં કુલ 30 યુનિટ રક્તનું સંગ્રહ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવસેવાના કાર્યમાં યોગદાન આપ્યું હતું.

કાર્યક્રમના અંતે સમગ્ર આયોજનને સફળ બનાવવા બદલ તમામ સહયોગી સંસ્થાઓ, અધિકારીઓ, કર્મચારીઓ, રક્તદાતાઓ તથા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા ક્ષય અધિકારી ડૉ.આર.ડી. પહાડીયા, સંસ્થાના પ્રમુખ સંદીપભાઈ શેઠ, પ્રોજેક્ટ ડાયરેક્ટર નીરેનભાઈ શાહ, અર્બન હોસ્પિટલના કન્સલ્ટન્ટ તબીબો, સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓ, નર્સિંગ કોલેજના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ અને ટી.આઈ. પ્રોજેક્ટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment