હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જાખાના જિલ્લા પંચાયત સીટના તેમના પ્રવાસ દરમિયાન વિસ્તારના વિવિધ માર્ગો અને શાળાના વિકાસ કામોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રવાસ દરમિયાન ગલકુંડ-જામદર-પાયરપાડા રોડ, જામદર-પાયરપાડા રોડ, વાંકી રોડ તથા જાખાના-કોટમદર રોડ ખાતે રૂબરૂ મુલાકાત લઈ રસ્તાઓની સ્થિતિ અને ચોમાસા કે અન્ય સીઝનમાં પડતી મુશ્કેલીઓની સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી. આ તમામ રસ્તાઓ પરથી પસાર થતા ગ્રામજનો અને વાહનચાલકોને પડતી હાલાકીનો ભવિષ્યમાં કાયમી અને સચોટ ઉકેલ આવે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત પાયરપાડા પ્રાથમિક શાળા ખાતે ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી કામગીરીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલી સમસ્યાઓ તથા સૂચનોને ધ્યાનપૂર્વક સાંભળતા શ્રી પટેલે આ પ્રશ્નોનો ત્વરિત અને યોગ્ય નિકાલ થાય તે હેતુથી સ્થળ પરથી જ સંબંધિત જવાબદાર અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
આ મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિસ્તારના વિકાસ કામો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
