જિલ્લા વિકાસ અધિકારીની નાણાંકીય સત્તામર્યાદામાં મોટો વધારો કરવાનો નિર્ણય

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ, સામાજિક-જાહેર હેતુઓ અને ગ્રામીણ વિકાસના પ્રકલ્પોને વધુ ઝડપી બનાવવાના ઉદ્દેશ્યથી સરકારી જમીનની ફાળવણી, જાહેર સાહસો અને વિવિધ હેતુઓ માટે જમીન ગ્રાન્ટ કરવા અંગે જિલ્લા કલેક્ટર તેમજ ગામતળના પ્લોટ માટે જિલ્લા વિકાસ અધિકારીની નાણાંકીય સત્તામર્યાદામાં મોટો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, જિલ્લા કલેક્ટરશ્રીઓની સત્તામર્યાદામાં જે વધારો કરવામાં આવ્યો છે તેમાં રાજ્ય સરકારના બોર્ડ/કોર્પોરેશનને 2 હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે નાણાંકીય સત્તામર્યાદા ₹15 લાખથી વધારીને ₹1 કરોડ, કેન્દ્ર સરકારના વિભાગોને જાહેર હેતુ માટે 1 હેક્ટર સુધીની જમીન માટે ₹15 લાખથી વધારીને ₹50 લાખ, સરકારી કર્મચારી/વ્યક્તિગત રહેણાંક હેતુની જમીન ફાળવણી માટે ₹1 લાખથી વધારીને ₹20 લાખ, સહકારી ગૃહ નિર્માણ મંડળીઓને જમીન ફાળવણી માટે ₹6 લાખથી વધારીને ₹50 લાખ, વ્યાપારિક હેતુ માટે (હરાજીથી) જમીન ફાળવણી₹1 લાખથી વધારીને ₹5 લાખ તેમજ સહકારી ગોડાઉન અને અન્ય સંસ્થાઓને જમીન ફાળવણી માટે નાણાંકીય સત્તામર્યાદા ₹3 લાખથી વધારીને ₹15 લાખ સુધી કરવામાં આવી છે.

આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓની ગામતળ પ્લોટ ફાળવણીની સત્તામાં જે વધારો કરવામાં આવ્યો છે તેમાં વ્યક્તિગત રહેઠાણ માટે ₹20,000થી વધારીને ₹1 લાખ, સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ માટે સત્તામર્યાદા ₹1.5 લાખથી વધારીને ₹7.5 લાખ તેમજ દૂધ મંડળીઓ / સહકારી ગોડાઉન / ગ્રામીણ ગ્રીડ હેતુ જમીન ફાળવણી માટે નાણાંકીય સત્તામર્યાદા ₹20,000થી વધારીને ₹1 લાખ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીના ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ને વેગ આપવા સાથે વહિવટી પ્રક્રિયામાં સુધારા અને વ્યાપક સરળીકરણના અભિગમ સાથેના આ નિર્ણયને પરિણામે હવે જિલ્લા કક્ષાએ જ નિકાલ શક્ય બનશે તેમજ સ્થાનિક કક્ષાએ જમીનનો રેકોર્ડ અને સ્થળ સ્થિતિ ઉપલબ્ધ હોવાથી વહીવટી પ્રક્રિયા ટૂંકી બનશે. આ ઉપરાંત, સ્થાનિક કક્ષાએ જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી પાસે નિર્ણય લેવાની સત્તા હોવાથી અરજદાર સંસ્થાઓ, વિભાગોને જિલ્લા કક્ષાએથી જ ફોલો-અપ લેવું વધુ સરળ બનશે.

Related posts

Leave a Comment