હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લાના IRLA સ્કીમ હેઠળ તેમજ અન્ય સ્કીમ હેઠળ પેન્શન મેળવતા તમામ રાજ્ય સરકારના પેન્શનરઓને જણાવવાનું કે, વર્ષ ૨૦૨૬-૨૭ માટેની વાર્ષિક હયાતીની ખરાઈ તા.૦૧/૦૫/૨૦૨૬ થી ૩૧/૦૭/૨૦૨૬ દરમિયાન કરાવવાની રહેશે. નિયત સમયમર્યાદામાં હયાતીની ખરાઈ ન કરાવનાર પેન્શનરઓનું ઓગસ્ટ-૨૦૨૬ થી પેન્શનનું ચુકવણું સ્થગિત કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવા જણાવાયું છે.
હયાતીની ખરાઈ માટે પેન્શનર પોતાની પેન્શન ખાતુ ધરાવતી બેંક શાખામાં રૂબરૂ જઈ નિયત ફોર્મ ભરીને હયાતીની ખરાઈ કરાવી શકે છે. ગુજરાત સરકાર અને પોસ્ટ વિભાગ વચ્ચે થયેલ સમજૂતી અનુસાર પેન્શનર પોસ્ટ ઓફિસના અધિકૃત કર્મચારી દ્વારા ઘરેબેઠા જીવન પ્રમાણ પોર્ટલ દ્વારા બાયોમેટ્રિક આધારે ઓનલાઈન હયાતી કરાવી શકે છે. પેન્શનર પોતે https //Jeevanpramaan.gov.in વેબસાઈટ અથવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા, આધાર બેઝડ ફેસ ઓથેન્ટિકેશન/ ફિંગરપ્રિન્ટ દ્વારા ઘરે બેઠા ઓનલાઈન હયાતીની ખરાઈ કરી શકે છે.
કુટુંબ પેન્શનના કિસ્સામાં પુરુષ કુટુંબ પેન્શનર આજીવન પુનઃલગ્ન ન કર્યા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. સ્ત્રી કુટુંબ પેન્શનર ૫૦ વર્ષની વય સુધી પુનઃલગ્ન ન કર્યા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ૫૦ વર્ષથી વધુ ઉંમરે આ પ્રમાણપત્ર જરૂરી નથી, પરંતુ જન્મતારીખ દર્શાવવી ફરજિયાત છે. શરતી કુટુંબ પેન્શનના કિસ્સામાં આશ્રિત પુત્ર/પુત્રી લગ્ન ન કર્યા અંગેનો પુરાવો અને આવક અંગેનો પુરાવો અચૂક રજૂ કરવાનો રહેશે. આશ્રિત માતા-પિતા આવક અંગેનો પુરાવો રજૂ કરવાનો રહેશે. (શૂન્ય આવકનું માન્ય નહી રહે) નોંધ શરતી કુટુંબ પેન્શનના કિસ્સામાં તેઓને લાગુ પડતી શરતો પૂર્ણ થયેથી જ પેન્શન ચાલુ રાખવામાં આવશે. દિવ્યાંગ આશ્રિત કુટુંબ પેન્શનરના કિસ્સામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૨૨/૧૦/૨૦૨૨ના પરિપત્ર મુજબ પરિશિષ્ટ-બે અને તે સંદર્ભના અન્ય સાધનિક કાગળો તથા આવક અંગેનો પુરાવો (શૂન્ય આવકનું માન્ય નહીં રહે) રજૂ કરેથી પેન્શન ચાલુ રાખવામાં આવશે.
વિદેશમાં વસતા પેન્શનરએ તે દેશના નોટરી દ્વારા પ્રમાણિત પાસપોર્ટની નકલ, પી.પી.ઓ નંબર અને NRE/NRO બેંક વિગત સાથેનું હયાતી પ્રમાણપત્ર મોકલવાનું રહેશે. પેન્શનરઓ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર બેંકમાંથી તથા https://cybertreasury.gujarat.gov.in પોર્ટલ ઉપરથી મેળવી શકે છે.
ઉપરોક્ત કોઈપણ એક સુવિધાનો લાભ લઈ અને લાગુ પડતા વધારાના પુરાવા સાથે તા.૩૧/૦૭/૨૦૨૬ પહેલાં વાર્ષિક હયાતીની ખરાઈ અવશ્ય કરાવી લે, જેથી પેન્શન ચુકવણું નિયમિત ચાલુ રહે. તિજોરી કચેરીને જાણ કર્યા વિના બેંક બદલનાર પેન્શનરોની હયાતી ગ્રાહ્ય રહેશે નહીં, તેમ જિલ્લા તિજોરી અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવ્યું છે.
